ભાજપનું
આયોજનબદ્ધ કાવતરું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.27 : બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકા પંચાયતની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી આજે બપોરે
3 વાગ્યા સુધી મોકૂફ રાખવામાં આવી હતી પરંતુ બપોરે 3 વાગ્યે ચૂંટણીનો સમય હોવા છતાં
ચૂંટણી અધિકારી જ ગેરહાજર રહ્યા હતા.
ચૂંટણી
પ્રક્રિયા દરમિયાન જ અચાનક ચૂંટણી અધિકારી અને દિયોદર પ્રાંત અધિકારીનું બ્લડ પ્રેશર
હાઈ થઈ જતાં દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી મુલતવી રાખવાની ફરજ પડી છે. પ્રાંત અધિકારીની
તબિયત લથડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની બનાસ મેડિકલ હોસ્પિટલમાં દાખલ
કરવામાં આવ્યા છે. સમગ્ર નાટકીય ઘટનાક્રમ વચ્ચે અંતે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી બીજી
વાર પણ રદ થઈ, આગામી સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે.
આજે
યોજાનારી આ મહત્ત્વપૂર્ણ ચૂંટણી પ્રક્રિયાના નિર્ધારિત સમયમાં અચાનક મોટો ફેરફાર કરવામાં
આવતા કોંગ્રેસે આયોજનબદ્ધ કાવતરું હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે. ચૂંટણીના સમયમાં
અણધાર્યા ફેરફાર થવાને પગલે બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ
નેતા ગુલાબાસિંહ રાજપૂત આકરા પાણીએ જોવા મળ્યા હતા. બન્ને નેતાઓએ ચૂંટણી અધિકારીની ભૂમિકા સામે સવાલો ઉઠાવતા ગંભીર આક્ષેપો કર્યા છે
કે, રાજકીય તોડજોડ અને ગણિત ગોઠવવાનો પૂરતો સમય મળી રહે તે માટે ચૂંટણી અધિકારી બીમાર
હોવાનું ખોટું બહાનું બતાવીને સત્તાધારી પક્ષના ઈશારે જ ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ
કરવામાં આવ્યો છે.