• ગુરુવાર, 28 મે, 2026

‘ગરમીને કારણે 10 દિવસ વેકેશન લંબાવો, 9થી 12ને ઓનલાઈન શિક્ષણની છૂટ આપો’

રાજ્ય શાળા શિક્ષણ મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજુઆત

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા. 27: હાલમાં ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી છે તેમજ હવામાન વિભાગના અનુસાર હજુ પણ ભીષણ ગરમી પડવાની આગાહી છે તેવામાં રાજ્ય શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને વેકેશન 10 દિવસ સુધી લંબાવવાની માગણી કરી છે. એટલું જ નહીં વડાપ્રધાનની ઇંધણ બચાવવાની અપીલને પગલે ધો. 9થી 12ના વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસની છૂટ આપવી જોઇએ તેવી પણ માગ કરી છે. 

 અમદાવાદ જેવા મોટા શહેરોમાં યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે જ્યારે હજુ પણ આકરો તાપ સહન કરવો પડશે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, હાલમાં 44 સુધી પહોંચી ગયેલા પારાની વચ્ચે શહેરમાં કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. શાળાઓ પુન: શરૂ થવાની તારીખ 8 છે તેને બદલે 18 જૂન કરવી જોઇએ કેમ કે 20 તારીખથી વરસાદની સીઝન પણ શરૂ થતી હોવાથી વિદ્યાર્થીઓને ગરમીમાંથી રાહત મળશે.

આ ઉપરાંત શાળા સંચાલકોએ પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના ભાવમાં વધારો થયો છે ત્યારે ઇંધણની બચત થાય તે ઉદ્દેશથી ધો. 5માં એક સપ્તાહ સુધી સવારની શાળા અને ધો. 6, 7 અને 8માં સોમ, બુધ અને શુક્રવારે શાળા ચાલુ રાખવી જોઇએ. સંચાલકોએ મુખ્યમંત્રીને આ અંગે વહેલી તકે નિર્ણય લેવા માટે વિનંતી કરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક