• રવિવાર, 24 મે, 2026

પોરબંદરના ભારવાડાના યુવાને પાણીમાંથી બનાવ્યા પૈસા !

આત્મનિર્ભર ગુજરાત પોલીસી અંતર્ગત શરૂ કરેલા યુનિટના માધ્યમથી કર્યો વિકાસ

નાનકડા પેકેજ ડ્રિન્કિંગ વોટરના યુનિટથી શરૂ થયેલી સફર આજે મોટા ઉદ્યોગિક એકમમાં થઈ પરિવર્તિત

પોરબંદર, તા. 22: પોરબંદરના ભારવાડા ગામના યુવાને પાણીમાંથી પૈસા મેળવ્યા છે અને અન્ય લોકોને પણ રોજગારી પૂરી પાડી છે.

પોરબંદર જિલ્લાના ભારવાડા ગામમાં કાર્યરત ‘અલ્ટ્રા પ્યોર બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડ’ અને ‘અર્બન કોલા પ્રાઇવેટ લિમિટેડ’ના સંચાલક કરશનભાઈ અરજનભાઈ અમર અને વ્યાવસાયિક પાર્ટનર વેજાભાઈ સુકાભાઈ ઓડેદરાની સફળતા ગાથા સરકારની કલ્યાણકારી યોજનાઓનું જીવંત ઉદાહરણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘લોકલ ફોર વોકલ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ના આહવાનને ગુજરાતની ધરા પર સાકાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર સતત કટિબદ્ધ રહી છે.

 મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ‘ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ ને નવું બળ મળ્યું છે, જેના કારણે છેવાડાના નાના ઉદ્યોગ સાહસિકોને પણ વહીવટી અને નાણાકીય અડચણો વગર આગળ વધવાની અમૂલ્ય તક મળી રહી છે. વર્ષ 2019માં કોરોના મહામારી પહેલા એક નાનકડા પેકેજ્ડ ડ્રાંકિંગ વોટરના યુનિટથી શરૂ થયેલી આ સફર આજે એક મોટા ઔદ્યોગિક એકમમાં પરિવર્તિત થઈ ચૂકી છે. આ કાયાપલટ પાછળ રાજ્ય સરકારની ‘આત્મનિર્ભર ગુજરાત પોલિસી’ એ પાયાની ભૂમિકા ભજવી છે, જે અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઉદ્યોગકારોને વ્યાજ સહાય અને નાણાકીય સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે.

કરશનભાઈ અમર જણાવે છે કે, સરકાર તરફથી મળેલી આ સમયસરની આર્થિક સગવડ અને પ્રોત્સાહનને કારણે વર્ષ 2023માં પોતાના બિઝનેસને મોટા પાયે વિસ્તારવાનું આયોજન કર્યું. આ નાણાકીય સહાયના પરિણામે, જે વ્યવસાય પહેલાં મર્યાદિત સ્તરે ચાલતો હતો તે આજે 2023 ની સરખામણીએ 2 થી 3 ગણો મોટો થઈ ચૂક્યો છે.

એટલું જ નહીં, કંપની અત્યારે વાર્ષિક ધોરણે 15% થી 20% નો શાનદાર વિકાસ દર નોંધાવી રહી છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને જો યોગ્ય સરકારી પીઠબળ મળે, તો તેઓ અર્થતંત્રમાં મોટો ફાળો આપી શકે છે.

 સ્થાનિક રોજગારીનું સર્જન અને આર્થિક સ્તરે આત્મનિર્ભરતા વધારવામાં આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

ઇ-પેપરના નવા શુલ્ક