• રવિવાર, 24 મે, 2026

વડિયાના ખડખડ ગામે ખેડૂતે ધિરાણ ન ભરી શકતા ઝેરી દવા પી આત્મહત્યા કરી

ધિરાણની ઉઘરાણી માટે બેંકમાંથી રોજ આવતા ફોનથી કંટાળી પગલું ભર્યાનો પરિવારનો આક્ષેપ

અમરેલી, તા.22: અમરેલી જિલ્લાના ખડખડ ગામે એક ખેડૂતે બેંકના ધિરાણની રકમ ભરી શકે તેમ ના હોય ઝેરી દવા પી આત્મહત્યા કર્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. પરિવારજનોએ બેંક તરફથી સતત આવતા ફોન અને ધિરાણ ભરવા માટેના દબાણને કારણે પગલું ભર્યાનો આક્ષેપ કર્યો છે.

ખડખડ ગામે રહેતા ખેડૂત અશ્વિનભાઈ હીરપરાએ થોડા સમય અગાઉ બેંકમાંથી ખેતી માટે ધિરાણ લીધું હતું પરંતુ છેલ્લા કેટલાક સમયથી ખેતીમાં પૂરતી આવક ન થતા તેઓ લોનની રકમ ભરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. અશ્વિનભાઈએ કોઈ ઝેરી દવા પી લેતા તેમની તબિયત બગડી હતી. પ્રથમ તેમને વડીયા અને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

મૃતકના પરિવારનાં સદસ્ય વિજય હીરપરાએ આક્ષેપ કર્યો હતો કે, બેંકમાંથી રોજ ફોન દ્વારા ધિરાણ ભરવા માટે દબાણ કરવામાં આવતું હતું. જેના કારણે અશ્વિનભાઈ માનસિક તણાવમાં આવી ગયા હતા અને અંતે આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો. ગામના સરપંચે પણ જણાવ્યું હતું કે, બેંકના દબાણના કારણે ખેડૂતે ઝેરી દવા પી હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. બીજી તરફ વડીયા પોલીસે બનાવ અંગે એડી દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ નોંધ મુજબ મૃતક છેલ્લા દસ વર્ષથી માનસિક રોગની દવા લેતા હતા. તેમજ બેંકનું લેણું ભરવા માટે સંયુક્ત ખાતાની જમીન વેચવાની ચર્ચા ચાલી રહી હતી, પરંતુ પરિવાર દ્વારા ના પાડવામાં આવતા તેમણે અનાજમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક