ટેરાબાઈટ ડેટામાં રોકાણના નામે શૂટસ્પેસ કંપનીએ રૂા.400 કરોડથી વધુનું ફૂલેકું ફેરવતા ફરિયાદ થઈ હતી
અમદાવાદ,
તા.22: ગાંધીનગર જિલ્લાના ડભોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી શૂટસ્પેસ ડિજિટલ પ્રાઈવેટ
લિમિટેડ કંપની દ્વારા ટેરાબાઈટ સ્પેસમાં રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીનો પર્દાફાશ
કરાયો છે. પોલીસ કંપનીના ડાયરેક્ટર અને ઝોનલ મેનેજરની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી
વિદેશ ભાગી ગયો છે. સમગ્ર કૌભાંડની સઘન તપાસ માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન
ટીમની રચના કરવામાં આવી છે. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે, કંપની પાસે જરૂરી ક્ષમતા
ધરાવતા સર્વર્સ ન હોવા છતાં ગ્રાહકો સાથે ડિજિટલ કરાર કરી ખોટા બિલ પધરાવી દેવાયા હતા.
રોકાણકારો પાસેથી મેળવેલી કરોડોની રકમ ક્લાઉડજી ડિજિટલ પ્રા.લિ અને હેરી હોસ્પિટાલિટી
એન્ડ લીઝર લિમિટેડ જેવી અન્ય કંપનીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને ઉચાપત કરવામાં આવી હતી.
આ મામલે
ડભોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. શૂટસ્પેસ કંપનીએ લોકોને ટેરાબાઈટમાં
રોકાણ કરવા લોભામણી ઓફર આપી હતી. કંપની ડિજિટલ સ્ટોરેજ ખરીદી આગળ મોટી કંપનીઓને ભાડે
આપશે તેમ જણાવ્યું હતું. જેના બદલામાં રોકાણકારોને દર મહિને નિશ્ચિત આવકની ખાતરી આપવામાં
આવી હતી. શરૂઆતમાં લોકોને રિટર્ન મળતા વિશ્વાસ વધ્યો હતો અને લોકો મોટું રોકાણ કરવા
આકર્ષાયા હતા. કેટલાક લોકોએ ઘર ઉપર લોન લઈને લાખો રૂપિયા કંપનીમાં રોક્યા હોવાનું જણાયું
હતું. રોકાણકારોને આવી લાલચ આપીને કંપની દ્વારા આશરે રૂા.400 કરોડ ખંખેરી લેવાયા હતા.
ગાંધીનગર
રેન્જ આઈજી વીરેન્દ્રસિંહ યાદવ અને એસપી રવિ વાસમ સેટ્ટીના માર્ગદર્શનમાં તથા એએસપી
આયુષ જૈનના સુપરવિઝનમાં એસઆઈટી રચાઈ છે. તપાસ દરમિયાન ક્લાઉડજી ડિજિટલના ડાયરેક્ટર
અરૂણભાઈ વીરચંદભાઈ પટેલ અને શૂટસ્પેસના ઝોનલ મેનેજર સચિનભઈ અમૃતભાઈ પટેલની ધરપકડ કરવામાં
આવી છે. મુખ્ય આરોપી ઉત્પલ પટેલ વિદેશ ફરાર થઈ ગયો હોવાથી પોલીસ તેની સઘન શોધખોળ કરી
રહી છે. પોલીસ આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની વધુ તપાસ કરી રહી છે.