• સોમવાર, 27 એપ્રિલ, 2026

લોકશાહીના પર્વને પણ લાગ્યું મોબાઈલ અને નિરુત્સાહનું ગ્રહણ

ડિજિટલ પ્રચારને કારણે મતદારો સાથેનો વ્યક્તિગત જીવંત સંપર્ક તૂટયો

બૂથ પર મોબાઈલ સાચવવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઘણા મતદારો મતદાનથી અળગા રહ્યાં

લગ્નની સીઝન અને શાળાઓમાં વેકેશન હોવાથી અનેક મતદારો મતદાનથી વંચિત રહ્યાં

સૌરાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનેક પરિબળોને કારણે મતદાન પર લાગી ‘બ્રેક’

રાજકોટ, તા.26 : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા માહોલ ઉત્સાહનો હતો, પરંતુ ધીમે ધીમે આ ઉત્સાહ ઘટતો ગયો અને આજે મતદાનના દિવસે જાણે અનેક પરિબળોનું ગ્રહણ લાગ્યું હોય તેમ ધારણા કરતા ઓછું મતદાન થયાનું અનુમાન છે. મે મહિનાની કાળઝાળ ગરમીમાં બપોરના સમયે મતદાન મથકો સૂમસામ જોવા મળ્યા હતા. તો લગ્નોની સીઝન અને શાળાઓમાં વેકેશન હોવાથી અનેક પરિવારો મતદાનથી વંચીત રહ્યાં હતા. આ સિવાય આ વખતે ચૂંટણી મેદાનમાં ઉમેદવારોથી લઈને મતદારોમાં ભારે નીરશતા જોવા મળી છે. બીજી તરફ બૂથ પર મોબાઈલ પ્રતિબંધથી લઈને સીમાંકન અને ગરમી જેવા અનેક પરિબળોને મતદાનની ઓછી ટકાવારીમાં મુખ્ય ભાગ ભજવ્યો છે.

આ પૈકી સૌથી મોટું પરિબળ મોબાઈલ રહ્યો છે. ચૂંટણીનો પ્રચાર જ મોબાઈલ ઉપર થતાં ક્યાંય માહોલ જામ્યો જ નહોતો. ઉમેદવારોએ ઘરે-ઘરે તો ઠીક ગલીએ-ગલીએ ફરવાની તસ્દી પણ લીધી નથી. આના બદલે સોશિયલ મીડિયા પર પ્રચાર કરવાનું વધુ પસંદ કર્યુ હતુ. આ ડિજિટલ પ્રચારને કારણે મતદારો સાથેનો વ્યક્તિગત જીવંત સંપર્ક તૂટયો હોય તેવું જણાઈ આવે છે. ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા મતદાન મથકો પર મોબાઈલ લઈ જવા પર લાદવામાં આવેલા પ્રતિબંધની વ્યાપક અસર જોવા મળી હતી. લોકો મોબાઈલ વિના ઘરની બહાર નીકળતા નથી. બૂથ પર મોબાઈલ સાચવવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી ઘણા મતદારો મતદાનથી અળગા રહ્યાં હતા.

ઘણા જૂના કાર્યકરોને બદલે પક્ષોએ નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. મતદારો પોતાના વિસ્તારના ઉમેદવારને ઓળખતા ન હોવાથી ‘કોને મત આપવો’ તેની મૂંઝવણમાં મતદાન કરવા ગયા જ ન હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ તમામ પરિબળોને કારણે સૌરાષ્ટ્રમાં આ વખતે સરેરાશ મતદાનમાં 5થી 10 ટકાનો ઘટાડો થયાની સંભાવના રાજકીય વિશ્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.

પોરબંદરમાં વોર્ડ સીમાંકનમાં ફેરફાર થતાં લોકોમાં ગેરસમજ ફેલાઈ

પોરબંદર,તા.26 : પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નવા સીમાંકન અને મોબાઈલ પ્રતિબંધના કારણે અનેક મતદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનેલા પોરબંદરમાં પહેલી ચૂંટણી હોવાથી વોર્ડ સીમાંકનમાં ફેરફાર થતાં લોકોમાં ગેરસમજ ફેલાઈ હતી. અગાઉ જ્યાં મતદાન કરતા હતા ત્યાં પહોંચેલા અનેક મતદારોને કહેવામાં આવ્યું કે તમારો વોર્ડ બદલાઈ ગયો છે. વોટર સ્લીપના અભાવ અને ઓનલાઈન જાણકારી હોવા છતાં ઘણા લોકોને યોગ્ય મતદાન મથક શોધવામાં મુશ્કેલી પડી હતી. બીજી તરફ મોબાઈલ લઈને મતદાન મથકમાં પ્રવેશ ન મળતા કેટલાક મતદારો મત આપ્યા વગર પરત ફર્યા હતા. આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે તંત્રની તૈયારીના અભાવે અનેક મતદારો મતાધિકારથી વંચિત રહ્યા છે. પક્ષનું કહેવું છે કે વોટર સ્લીપ વિતરણ અને મોબાઈલ માટે લોકરની વ્યવસ્થા ન હોવાથી સમસ્યા ઊભી થઈ હતી. જ્યારે વહીવટી તંત્રએ જણાવ્યું કે સીમાંકન અંગે પહેલેથી જ માહિતી આપવામાં આવી હતી અને નિયમાનુસાર પ્રક્રિયા થઈ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક