ગત ચૂંટણી કરતા 4.82 ટકા મતદાન ઘટયું, જિલ્લામાં મહિલા મતદારોથી પુરુષોનું મતદાન વધુ
જૂનાગઢ,તા.26
: સોરઠમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સરેરાશ 60.56 ટકા મતદાન નોંધાયું
છે અને 681 ઉમેદવારોના રાજકીય ભાવિ ઇવીએમમાં સીલ થયા છે. ગત ચૂંટણી કરતા 4.82 ટકા મતદાન
ઘટયું છે.
જૂનાગઢ
જિલ્લા પંચાયતની 30 બેઠક તથા નવ તાલુકા પંચાયતની 158 બેઠક અને કેશોદ નગરપાલિકાના 9
વોર્ડની 36 બેઠકની ચૂંટણી આજે સવારે સાત કલાકથી શરૂ થઈ હતી. પ્રારંભે તમામ મતદાન કેન્દ્રો
ઉપર અત્યંત ધીમો પ્રારંભ થયો હતો અને ધીમે ધીમે વેગ આવ્યો હતો, કોઈક મતદાન મથકો પર
મતદારોની કતારો જોવા મળી હતી. જિલ્લામાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 10.12 ટકા ત્યારબાદ
બે કલાકમાં 25.32 ટકા બાદમાં મતદાનમાં વેગ આવ્યો હતો અને સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ
60.56 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 57.47 ટકા
મતદાન નોંધાયું છે.
જિલ્લાના
તાલુકાઓમાં સરેરાશ મતદાન પર નજર કરીએ તો જુનાગઢ 57.27 ટકા, વંથલી 61.17 ટકા, માણાવદર
61.46 ટકા, વિસાવદર 58.04 ટકા, મેંદરડા 60.21 ટકા, માળીયા 66.80 ટકા, કેશોદ 60.01 ટકા, માંગરોળ 59.73 ટકા અને કેશોદ શહેર સુધરાઇમાં 57.47
ટકા મતદાન નોંધાયું છે.
જિલ્લા
અને તાલુકા પંચાયત ચૂંટણીમાં મુખ્યત્વે ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયો જંગ
જામ્યો હતો. પરંતુ લગ્નસરા અને આકરા તાપને કારણે મતદાનમાં અસર પડી હતી. 43 ડિગ્રી તાપમાનમાં
ઉમેદવારો અને તેમના ટેકેદારોએ મતદારોને ઘરેથી તેડી આવી મતદાન કરાવવાની ફરજ પડી હતી.
જુનાગઢ જિલ્લાના તાલુકાઓમાં સરેરાશ મતદાન 60.56 ટકા નોંધાયું છે. તેમાં સૌથી વધુ માળિયામાં
66.80 ટકા અને સૌથી ઓછું જૂનાગઢમાં 57.27 ટકા મતદાન નોંધાયું છે. ઉમેદવારોના રાજકીય
ભાવિ ઇવીએમમાં સીલ થયા છે. આગામી તા.28ના રોજ જિલ્લાના વિવિધ 10 કેન્દ્રો ખાતે મત ગણતરી
હાથ ધરાશે.