જામનગર, તા.5 : રાજકોટ રેન્જ આઇ.જી. તરીકેનો ચાર્જ સંભાળતા જ આક્રમક મૂડમાં આવેલા આઈ.પી.એસ. નિર્લિપ્ત રાયે જામનગરના અસામાજિક તત્ત્વો પર કાયદાનો ગાળિયો કસ્યો છે. શહેરમાં તાજેતરમાં થયેલી મારામારી અને ફાયારિંગની ઘટનાઓને ગંભીરતાથી લઈ, આઈ.જી.એ શહેરના સંવેદનશીલ પટણીવાડ વિસ્તારમાં સક્રિય બે કુખ્યાત ગેંગના 30 જેટલા શખસો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી સપાટો બોલાવ્યો છે.
પોલીસે
પૂર્વ વિપક્ષી નેતા અસલમ ખીલજીની આગેવાની હેઠળની ગેંગ અને અલ્તાફ ખફી તથા તેના સાગરીતોની
ગેંગ સામે આ કડક કાર્યવાહી કરી છે. વહેલી સવારથી જ પટણીવાડ વિસ્તારમાં ચુસ્ત પોલીસ
બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઓપરેશન દરમિયાન અસલમ ખીલજી સહિત કુલ 9 શખસની ધરપકડ
કરવામાં આવી છે જ્યારે જેલમાં બંધ અલ્તાફ ખફી અને તેના સાગરીતો સામે જેલમાંથી જ ગુજસીટોક
હેઠળ કાર્યવાહી આગળ વધારવામાં આવી છે.
નિર્લિપ્ત
રાયે જામનગરની મુલાકાત લીધાના માત્ર 10 દિવસમાં જ આ મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે.
રાજકોટ રેન્જમાં ચાર્જ સંભાળ્યા બાદ આ તેમની ત્રીજી અને જામનગર જિલ્લામાં પ્રથમ ગુજસીટોકની
કાર્યવાહી છે. આ કડક પગલાને કારણે જામનગરના માથાભારે તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી
ગયો છે અને અનેક ગુંડા તત્ત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સ્થાનિક
જનતાએ પોલીસની આ આક્રમક શૈલીને આવકારી છે, જેનાથી શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ
વધુ મજબૂત બનશે તેવી આશા બંધાઈ છે.