• સોમવાર, 06 એપ્રિલ, 2026

ભારતનું 9મું જહાજ કરશે હોર્મુઝ પાર

LPG લઈને આવતા વધુ એક જહાજને મળી ગઈ મંજૂરી

નવીદિલ્હી, તા.પ : ભારતમાં એલપીજીની તંગી વચ્ચે એક મોટી રાહતના સમાચાર આવ્યા છે. ઈરાને બંધ કરેલા જળમાર્ગ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી હવે ભારતનાં 9મા ટેન્કરને પણ પસાર થવાની અનુમતી મળી ગઈ છે. ગ્રીન આશા નામક ભારતીય ધ્વજવાળું આ જહાજ એલપીજી લઈને ભારત આવી રહ્યું છે. આ પહેલા તા.3 એપ્રિલે ગ્રીન સાન્વીને પણ હોર્મુઝમાંથી નીકળવાની મંજૂરી મળી ગઈ હતી. આમ, ભારતમાં એલપીજીને લઈને ઉભી થયેલી ચિંતા હવે હળવી બનવાનું નિશ્ચિત બની ગયું છે.

આ સીવાય ભારતનું અન્ય એક જહાજ જગ વિક્રમ પણ મંજૂરીની વાટે છે. આ ટેન્કર હોર્મુઝમાંથી પસાર થયા પહેલા પસાર થવાની પરવાનગી મળવાની રાહ જુએ છે. મંજૂરી મળી જાય પછી તેને ક્રમશ: સલામત રીતે હોર્મુઝ પાર કરાવવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ઈરાને અગાઉથી જ સ્પષ્ટ કરેલું છે કે, તે ભારતીય જહાજોને ત્યાંથી નીકળવાની મંજૂરી આપશે. હોર્મુઝ ફક્ત અમેરિકા અને ઈઝરાયલનો સાથ આપતા દેશો માટે જ બંધ છે.

7 વર્ષ બાદ ફરી ઈરાનથી ઓઇલ-ગેસની આયાત શરૂ

--------------------

સરકારે જણાવ્યું પેમેન્ટની વ્યવસ્થામાં કોઈ જ અવરોધ નથી

નવીદિલ્હી, તા.પ : મધ્યપૂર્વમાં ચાલતા ભીષણ યુદ્ધનાં કારણે ઓઇલનો પુરવઠો દુનિયાભરમાં ખોરવાયો છે. આ સ્થિતિ વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું હતું કે, આપણી જરૂરિયાત પૂરી કરવા માટે ભારતીય કંપનીઓએ ઈરાનથી ઓઇલની ખરીદી કરી છે અને તેનાં માટે પેમેન્ટમાં કોઈપણ પ્રકારના અવરોધો આવી રહ્યા નથી. ઉલ્લેખનીય છે કે, અમેરિકાનાં દબાણમાં ભારતે મે 2019થી જ ઈરાનથી ઓઇલની આયાત બંધ કરી દીધી  હતી પણ હવે સાત વર્ષનાં લાંબાગાળા પછી યુદ્ધની સ્થિતિમાં તેને ફરીથી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, યુદ્ધને પગલે દુનિયામાં સર્જાયેલા ઊર્જા સંકટ અને ક્રૂડ ઓઈલનાં ભાવમાં આગઝરતી તેજીને ધ્યાને રાખીને અમેરિકાએ કામચલાઉ ધોરણે ઈરાનનાં ક્રૂડ ઓઇલ ઉપર મૂકવામાં આવેલાં પ્રતિબંધમાંથી છૂટ આપી હતી. ભારત અત્યારે 40થી વધુ દેશો પાસેથી ઓઇલની ખરીદી કરે છે. કંપનીઓને પૂરી છૂટ છે કે, તે પોતાની આવશ્યકતા અને ફાયદાને ધ્યાને રાખીને ક્યાંયથી પણ ઓઇલ મગાવી શકે છે. ક્રૂડ ઓઇલ ઉપરાંત ભારતે ઈરાનથી 44,000 મેટ્રિક ટન એલપીજી પણ ખરીદ્યો છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક