• મંગળવાર, 07 એપ્રિલ, 2026

પાકિસ્તાની ગેંગનો મોસ્ટ વોન્ટેડ ડીસાથી ઝડપાયો

            પંજાબમાં થયેલા ગ્રેનેડ સ્મગાલિંગના ગંભીર ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ હતો : ડીસાના ઢાબામાં મજૂરી કરતો હતો, ગુજરાત અઝજની કાર્યવાહી

અમદાવાદ, રાજકોટ, તા.5 : ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજીએ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાની ગેંગસ્ટર શહેઝાદ ભટ્ટી ગેંગના સભ્ય અને ભારતના પંજાબ રાજ્યના ગ્રેનેટ કેસમાં વોન્ટેડ બિક્રમજીતાસિંઘની ડીસામાંથી ધરપકડ કરી છે. આરોપી ગ્રેનેટની સપ્લાય અને સુરક્ષા એજન્સીઓનાં એકમો ઉપર ગ્રેનેટ મારફતે વિસ્ફોટ કરાવવાનું કામ કરાવતો હતો. હાલ આરોપી કેટલાક સમયથી ડીસા ખાતે એક ઢાબામાં છૂટક મજૂરી કામ કરી રહ્યો હતો. આરોપીની ધરપકડ કરી એટીએસએ વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરક્ષા એજન્સીઓને ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબ પોલીસની રડારમાં રહેલો બિક્રમજીતાસિંઘ ઉર્ફે વિક્કી બનાસકાંઠા જિલ્લાના ડીસા વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે એટીએસ અને એસઓજીની ટીમોએ વોચ ગોઠવી ડીસાના  એક હાઈવે પર આવેલા ઢાબા પરથી તેને દબોચી લીધો હતો. બિક્રમજીતની ધરપકડથી આંતરરાષ્ટ્રીય સ્મગાલિંગ નેટવર્કને મોટો ફટકો પડયો છે. આરોપી બિક્રમજીત પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ સાથે સીધો સંપર્ક ધરાવતા નેટવર્ક માટે કામ કરતો હતો. તે પંજાબમાં ગ્રેનેડ હુમલા કરવાના કાવતરામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો હતો. પાકિસ્તાની આકાઓના ઈશારે તે ભારતમાં અસ્થિરતા અને અસંતોષ ફેલાવવાના પ્રયાસોમાં સામેલ હતો. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ આરોપી માત્ર સ્મગાલિંગ જ નહીં પરંતુ સ્થાનિક યુવકોને પોતાની ગેંગમાં ભરતી કરવાનું કામ પણ કરતો હતો. તે યુવાનોને ગેરકાયદે પ્રવૃત્તિઓ અને દેશવિરોધી કૃત્યોમાં જોડવા માટે પ્રોત્સાહિત કરતો હતો, જે દેશની આંતરિક સુરક્ષા માટે ગંભીર ખતરો સાબિત થઈ શકે તેમ હતું.

ગુજરાતની સુરક્ષા એજન્સીઓ હાલ આરોપીના અન્ય સંપર્કો અને ગુજરાતમાં તેના રોકાણના હેતુ વિશે ઊંડી તપાસ કરી રહી છે. પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ થયા બાદ બિક્રમજીતને આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી માટે પંજાબ પોલીસને સોંપવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક