• સોમવાર, 06 એપ્રિલ, 2026

7મીએ વધુ એક મજબૂત સિસ્ટમ રચાશે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં થશે માવઠું

સૌરાષ્ટ્રમાં 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે : ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ, તા.4  : દેશમાં હવામાનની પેર્ટન ચેન્જ થવાના કારણે ભર ઉનાળે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઇ કાલે પણ ઉત્તર ગુજરાત. સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. હવામાન વિભાગે હજુ પણ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. 7 એપ્રિલે વધુ એક વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાના કારણે 7 એપ્રિલથી ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગ મુજબ 5 એપ્રિલથી 7 એપ્રિલ સુધી ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટશે. મોટાભાગના વિસ્તારમાં આકાશ સ્વચ્છ રહેશે અને તાપમાનમાં પણ એકાદ ડીગ્રીનો વધારો થશે જો કે 7 એપ્રિલ બાદ ફરી એક મજબૂત સિસ્ટમ આવતા 8 અને 9 એપ્રિલ વરસાદ વરસશે. આ સમય દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર વધુ ભાર રહેશે. આ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આમ, ગુજરાતમાં 10 એપ્રિલ સુધી વાદળછાયુ વાતાવરણ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ છૂટછવાયો વરસતો રહેશે. સૌરાષ્ટ્રમાં 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે  પવન ફુંકાશે. એપ્રિલમાં સામાન્ય રીતે તાપમાનનો પારો 42ને પાર જતો હોય છે તેવી સ્થિતિમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થતાં મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાત. યુપીમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ અનુસાર 15 એપ્રિલ બાદ કમોસમી વરસાદ સંપૂર્ણ બંધ થઇ શકે છે અને તાપમાનનો પારો ઊંચે જતાં ઉનાળાની અસલ ગરમીનો અનુભવ થઇ શકે છે. દેશમાં વેધર પેટર્ન બદલાઇ હોવાથી ઉત્તર અને પશ્ચિમ ભારતમાં પણ વરસાદ અને હિમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પર્ટનની અસર ગુજરાત રાજ્ય પર પણ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આગામી સપ્તાહમાં હવામાન ડિસ્ટર્બ રહે તેવી શકયતા છે આ સમય દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે અને વાદળો વચ્ચે કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. વાતાવરણમાં પલટાના કારણે આ સમયે તાપમાનનો પારો ગગડતાં ગરમીથી રાહત મળશે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક