• સોમવાર, 06 એપ્રિલ, 2026

ખડગેએ ગુજરાતની પ્રજાને ગણાવી અભણ!

મોદીજી ગુજરાતની અભણ પ્રજાને મૂર્ખ બનાવી શકે, કેરલમની નહીં : ખડગે

થિરૂવનંતપૂરમ્, તા.5 : કેરળમાં આગામી 9 એપ્રિલ, 2026 ના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. આ માટે અત્યારે ત્યાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. તમામ પાર્ટીઓ એડીચોટીનું જોર લગાવી રહી છે. પરંતુ આ ચૂંટણી પ્રચાર વચ્ચે આજે (5 એપ્રિલ) કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ એવું નિવેદન આપ્યું છે, જેને કારણે એક નવો જ રાજકીય વિવાદ ઊભો થઈ ગયો છે. પોતાના ભાષણ દરમિયાન ખડગેએ ગુજરાતની પ્રજાને સીધી રીતે અશિક્ષિત અને અભણ ગણાવી દીધી છે. તેમના આ નિવેદન બાદ ભાજપ પણ મેદાનમાં આવ્યું છે અને આને સમગ્ર ગુજરાતીઓનું અપમાન ગણાવ્યું છે. કેરળમાં એક જનસભાને સંબોધતા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સીધો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં તેમણે ગુજરાતની પ્રજાનું અપમાન કરી દીધું. ખડગેએ પોતાના ભાષણમાં કહ્યું કે, ‘કેરળના લોકોને ગેરમાર્ગે દોરવાનું કે ભટકાવવાનું કામ ન કરશો. અહીંના લોકો ખૂબ જ હોંશિયાર અને ભણેલા ગણેલા છે. મોદીજી અને વિજયન (કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયન), તમે બંને એવા લોકોને મૂર્ખ બનાવી શકો છો જેઓ ગુજરાતમાં કે અન્ય સ્થળોએ અભણ છે, પરંતુ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકતા નથી.‘

તેમણે આગળ કહ્યું કે, ‘કેરળના લોકો માત્ર કેરળમાં જ સીમિત નથી, તેઓ આખી દુનિયામાં ફેલાયેલા છે, કામ કરી રહ્યા છે અને ભારતને પૈસા પણ મોકલી રહ્યા છે.‘

ખડગેના આ નિવેદનનો વીડિયો સામે આવતા જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ભાજપે આ મુદ્દે કોંગ્રેસને આડેહાથ લીધી છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક