દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલમાં માવઠાની આગાહી : ખેતીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતા
30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન
ફૂંકાશે : માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી
રાજકોટ
તા.5: ઉનાળાની શરૂઆતથી જ આ વર્ષે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં સતત વાતાવરણમાં પલટો આવે
છે. ઉનાળાની શરૂઆત આકરી ગરમીથી થયા બાદ સતત માવઠા વરસી રહ્યા છે. ગરમીના પ્રકોપની વચ્ચે
વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતા વધી છે ત્યારે ફરી એકવાર માવઠાની શક્યતા હવામાન
વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા અનેક જિલ્લામાં
કમોસમી વરસાદ થઈ શકે છે. આગામી 6 અને 7 એપ્રિલે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
કરવામાં આવી છે. જ્યારે પવનની ગતિમાં વધારો પણ થઈ શકે છે અને ત્યારબાદ 8 એપ્રિલથી તાપમાનમાં
વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તેમજ માછીમારોને 6 અને 7 એપ્રિલે દરિયો ન
ખેડવા સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી હવામાનમાં ફરી એકવાર પલટો આવશે. હવામાન વિભાગ દ્વારા
7 એપ્રિલે દ્વારકા, જામનગર, રાજકોટ, દાહોદ અને પંચમહાલ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની
આગાહી કરવામાં આવી છે. મોરબી, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પાટણ
જિલ્લાઓમાં પણ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 6 અને 7 એપ્રિલ દરમિયાન પવનની ગતિમાં નોંધપાત્ર
વધારો થશે. જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર વધુ જોવા મળી શકે છે. આ પરિસ્થિતિને
ધ્યાનમાં રાખીને માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
વરસાદી
માહોલને કારણે આગામી બે દિવસ ગરમીમાં બહુ મોટો વધારો નહીં થાય, પરંતુ જેવી આ વરસાદી
સિસ્ટમ પસાર થશે કે તરત જ એટલે કે 8 એપ્રિલથી ગરમીનો પારો ફરીથી ઉંચકાય તેવી શક્યતા
છે. એપ્રિલના બીજા સપ્તાહથી લોકોને આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે. વારંવાર બદલાતા
હવામાન અને કમોસમી વરસાદની આગાહીને પગલે ખેતીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં
ચિંતા જોવા મળી રહી છે. તૈયાર થયેલા પાકને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ તંત્ર દ્વારા
સલાહ આપવામાં આવી છે.