શહેરમાં વિવિધ જગ્યાએ જમીનો બતાવીને દસ્તાવેજ નહીં કરી આપતા ફરિયાદ : પતિ-પત્ની અને ભાઈની ધરપકડ
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.27: અમદાવાદમાં પ્રતિષ્ઠિત વેપારી તરીકેની ઓળખ આપીને આંગડિયા પેઢીના સંચાલક અને
જમીન લે-વેચનું કામ કરનાર વ્યક્તિને જમીનો બતાવ્યા બાદ કટકે કટકે કરોડો રૂપિયા પડાવ્યાની
ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે. શહેરના પોશ એવા થલતેજ અને સોલા વિસ્તારમાં
જમીનો હોવાનું કહીને અવેજ પેટે રકમ મેળવી પસંદગીની જમીનના દસ્તાવેજ નહીં કરી આપી એક
જ પરિવારના પતિ-પત્ની અને ભાઈની પોલીસે ધરપકડ કરી હતી.
પ્રાપ્ત
વિગત મુજબ સોલા સાયન્સ સિટી ખાતે સૂર્યરત્ન બંગલોઝમાં રહેતા મિતેશ ભરતભાઈ પટેલ તેની
પત્ની મોક્ષા પટેલ અને તેનો ભાઈ પ્રતિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેયે અમદાવાદના
થલતેજમાં ઈન્દ્રપ્રસ્થ ટાવરમાં રહેતા અને આંગડિયા પેઢી ધરાવતા મયુર સુરેશભાઈ ઠક્કર
સાથે કરોડોની ઠગાઈ કરી છે. જમીન વેચાણથી આપવાનું કહીને ટુકડે ટુકડે કુલ રૂ. 68,87,46,000
મેળવી બાદમાં મિલકત અને કુલ રૂ. 27,86,54,000 પરત આપ્યા પરંતુ બાકીના રૂ. 41,00,92,000
આજદીન સુધી પરત નહીં આપી છેતરાપિંડી કરી હતી.
મયુર
ઠક્કર શુકન મોલ ખાતે ઓફિસ ધરાવી આંગડિયા પેઢી ચલાવે છે. સાથે જ ભાગીદારીમાં જમીન લે-વેચનો
વ્યવસાય પણ કરે છે. તે તેમના મિત્ર મુકુંદભાઈ ઘણા સમયથી જમીનમાં રોકાણ કરવા માગતા હતા.
જેથી અન્ય એક મિત્ર દીપક ઠક્કરે મિતેશ પટેલનો સંપર્ક કરાવ્યો હતો. સપ્ટેમ્બર 2021માં
ત્રણેય મિત્રો મતેશ પટેલને પામ ગ્લોરી સ્થિત તેની ઓફિસે મળવા ગયા હતા. તેણે મારી પાસે
ઘણી જમીનો છે તેમ જણાવ્યું હતું. આજદીન સુધી મિલકત કે બાકી રકમ પરત નહીં આપી ઠગાઈ આચરનાર
ત્રણેયની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ધરપકડ કરાઈ હતી.