• શનિવાર, 28 માર્ચ, 2026

ઈરાનમાં મોટો હુમલો હવે 10 દિવસ પછી : ટ્રમ્પે મહેતલ લંબાવી

અમેરિકા અને ઈઝરાયલે ઈરાનનાં શત્રાગારો ઉપર મારો ચલાવ્યો: શાંતિ સમજૂતી માટે પાક. સંદેશાવાહકની ભૂમિકામાં

નવી દિલ્હી, તા.27: ઈરાન ઉપર અમેરિકા અને ઈઝરાયલનાં આક્રમણ સાથે શરૂ થયેલી જંગને હવે એક માસ પૂરો થવા આવ્યો છે અને હજી સુધી તનાવમાં ઘટાડાનાં કોઈ સંકેત મળી રહ્યાં નથી. અમેરિકાનાં બટકબોલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દિવસ ઉગેને નવો દાવો કરે છે અને સ્થિતિ સતત અનિશ્ચિત બની રહે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી જો પરિવહન શરૂ નહીં થાય તો પાંચ દિવસમાં ઈરાનનાં ઉર્જા મથકોને નિશાન બનાવવાની મોટી ધમકી આપનાર ટ્રમ્પે હવે ફરી એકવાર ઈરાન સાથે શાંતિ સમજૂતીની વાટાઘાટો સારી રીતે આગળ વધી રહ્યાંનો દાવો કરીને પાંચ દિવસની મહેતલ લંબાવીને 10 દિવસ કરી નાખી છે.

દરમિયાન પાકિસ્તાનનાં વિદેશમંત્રી ઈશાક ડારે પણ પુષ્ટિ આપી હતી કે, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતાનાં પ્રયાસમાં પાકિસ્તાન હાલ બન્ને દેશો વચ્ચે સંદેશાવાહક તરીકે કામ કરી રહ્યું છે. જેમાં તેને તુર્કી અને ઈજિપ્તનો સહકાર મળી રહ્યો છે.  જો કે શાંતિની વાટાઘાટોનાં અમેરિકાનાં તમામ દાવાઓને ઈરાન તરફથી હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં નથી આવી. ઈરાનનાં ઉપસ્વાસ્થ્ય મંત્રી અલી જાફરીને આજે કહ્યું હતું કે, અમેરિકા અને ઈઝરાયલનાં યુદ્ધમાં અત્યાર સુધીમાં તેમનાં દેશમાં 1937 લોકોનાં મૃત્યુ નીપજ્યા છે.

બીજીબાજુ ઈરાન ઉપરાંત લેબનોનમાં ત્રાટકેલા ઈઝરાયલે આજે લેબનોનમાં ઝહરાની નદીનાં દક્ષિણમાં સ્થિત તમામ સ્થાનિકોને સ્થળાંતર કરી જવાની ધમકી આપી હતી. લેબનોનમાં 2 માર્ચથી ઈઝરાયલનાં હુમલાઓમાં કુલ 1100 લોકો મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળે છે. દરમિયાન અમેરિકાએ ઈરાનનાં ત્રીજા અને મોટા શત્રાગારને નષ્ટ કરી નાખ્યાનો દાવો કર્યો હતો. ટ્રમ્પે ઈરાનમાં ઉર્જા મથકો ઉપર હુમલાની યોજનાને પાછી ઠેલ્યા બાદ ઈઝરાયલે ઈરાનમાં મિસાઈલનાં મથકને નિશાનમાં લેવા માંડયા હતાં. સામે છેડે ઈરાને પણ ઈઝરાયલમાં હુમલામાં કોઈ ઘટાડો કર્યો નહોતો.

 

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક