• શનિવાર, 28 માર્ચ, 2026

S-400 સહિત 2.38 લાખ કરોડની રક્ષા ખરીદીને મંજૂરી રક્ષા મંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડીએસી બેઠકમાં લેવાયો નિર્ણય

નવી દિલ્હી, તા. 27 : અમેરિકા-ઈરાન અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ભારતે પોતાની તાકાતમાં વધારો કરવા માટે શુક્રવારે મહત્વનો નિર્ણય કર્યો હતો. રક્ષા મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી રક્ષા અધિગ્રહણ પરિષદ (ડીએસી)ની બેઠકમાં લગભગ 2.38 લાખ કરોડની અંદાજીત પડતરના વિભિન્ન પ્રસ્તાવો માટે ‘જરૂરીયાતની મંજૂરી’ (એઓએન) પ્રદાન કરી હતી. રક્ષા મંત્રાલય અનુસાર ભારતીય સેના માટે એસ-400 એર ડિફેન્સ ટ્રેક્ડ સિસ્ટમ, આર્મર્ડ પિયર્સિંગ ટેંક દારુગોળો, હાઈ કેપેસિટી રેડિયો રિલે, ધનુષ ગન સિસ્ટમ અને રનવે ઈન્ડિપેન્ડેન્ટ એરિયલ સર્વેલન્સ સિસ્ટમને મંજૂરી મળી છે. આ ઘાતક હથિયારોની ખરીદીને મંજૂરી મળતા પાકિસ્તાન, ચીન જેવા દેશોની ચિંતામાં વધારો થયો છે.

ભારતીય વાયુ સેના માટે મીડિયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એસ-400 પ્રણાલી, રિમોટથી ચાલતા સ્ટ્રાઈક એરક્રાફ્ટ અને એસયુ-30 એરો એન્જીનની સામગ્રીના સમારકામના પ્રસ્તાવને મંજૂરી મળી છે. રક્ષા મંત્રાલયે કહ્યું હતું કે એસ-400 સિસ્ટમ દુશ્મનના લાંબી દૂરીના હવાઈ હુમલાને નિશાન બનાવે છે. જ્યારે રિમોટથી ચાલતા સ્ટ્રાઈક વિમાન આક્રમક જવાબી અને હવાઈ ઓપરેશન કરવામાં સક્ષમ રહેશે. ભારતીય તટરક્ષક દળ માટ ભારે એર કુશન વાહનોની ખરીદી મંજૂર કરવામાં આવી છે. નાણાકીય વર્ષ 2025-26મા ડીએસી દ્વારા 55 પ્રસ્તાવો માટે એઓએન અપાયું છે. જેની કુલ કિંમત 6.73 લાખ કરોડ રૂપિયા છે. આ ઉપરાંત વર્તમાન નાણાકીય વર્ષમાં 5.3 પ્રસ્તાવો માટે મૂડીગત ખરીદી કોન્ટ્રાક્ટ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેની કુલ કિંમત 2.28 લાખ કરોડ રૂપિયા છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક