તૈયાર મીઠાની ગુણવત્તા બગડી ગઇ, અગરિયાની સોલાર પેનલો પણ ઉડી ગઇ
અંબુ
પટેલ
ખારાઘોડા,
તા.20: હવામાને અચાનક કરવટ બદલતા સૌરાષ્ટ્રભરમાં ઠેર ઠેર વ્યાપક ખાનાખરાબી પાછલા બે
દિવસમાં થઇ છે. કચ્છના નાના રણમાં પણ ગુરુવારથી માહોલ બગડયો હતો અને રણ વિસ્તારમાં
મીઠા ઉદ્યોગને ભારે નુક્સાન થયું છે. મીઠાની ગુણવત્તા અસરગ્રસ્ત થઇ છે તો અગરીયાઓની સોલાર પેનલ ઉડીને તૂટી પડી છે.
ગુરુવારની
પરોઢે ચારેક વાગ્યે નાના રણમાં તેજ પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતુ. રણમાં અઢી
હજાર કરતા વધારે અગરીયા પરિવારો મીઠુ પકવવાના અંતિમ તબક્કામાં વ્યસ્ત હતા ત્યારે ફૂંકાયેલા
પવન અને ભારે વરસાદથી મીઠાંના તૈયાર પાક ઉપર ધૂળ અને પાણી ફરીવળ્યા છે. વેગીલા પવનને
લીધે સોલાર પેનલો ઉડીને અર્ધો કિલોમીટર દૂર સુધી પહોંચી ગઇ હતી.
રણમાં
કૂવામાંથી મીઠું પકવવા ખારું પાણી ખેંચવા માટે અગરીયા સોલાર પંમ્પનો ઉપયોગ કરે છે.
સોલર સિસ્ટમ ક્ષતિગ્રસ્ત થવાને લીધે મીઠાના ઉત્પાદનનો અંતિમ તબક્કો બગડયો છે. અગરમાં
ધૂળ ભરાઇ જતા સફેદી છીનવાઇ છે, ગુણવત્તા બગડી છે.
ગુણવત્તા
બગડવાને લીધે આગોતર સોદા વખતે નક્કી કરેલા ભાવમાં કાપકૂપ કરવાની નોબત આવી શકે છે. અગરીયા
મહા સંઘના પ્રમુખ બચુભાઇ ગેદામા અને મંત્રી પરબતભાઇ સૂરેલા કહે છે, કુદરતી આફતે બધુ
વેરવિખેર કરી દીધું છે એટલે સરકારે તાત્કાલિક ધોરણે રણમાં સર્વે કરાવવો જોઇએ. નુક્સાનીનો
અહેવાલ તૈયાર કરીને સહાય પેકેજ આપવું જોઇએ. વરસાદથી અત્યારે રણના રસ્તા બંધ છે પણ જીલ્લા
ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ રણમાં થયેલું નુક્સાન આંકવા માટે સોમવાર આસપાસ આવશે તેમ
બચુભાઇએ કહ્યું હતુ. આઠ મહિના સુધી મીઠું પકવીને પેટીયુ રળતા અને ભોજનમાં લાવણ્ય ઉમેરતા
અગરીયાઓ માટે એ રીતે માવઠું દુ:સ્વપ્ન સમાન બની ગયું છે. કિંમતી સોલાર પેનલ પત્તાના
મહેલની જેમ ઉડીને ક્યાંય પડી હતી. પવનની સાથે ઘરમાં પણ નુક્સાન થયું છે. મીઠાંના જથથાને થયેલા નુક્સાનથી અગરીયા ફરીથી આર્થિક
રીતે બે વર્ષ પાછળ ચાલ્યો જશે.