ક્રાઈમ બ્રાન્ચે સુરતથી આવતી કારમાંથી હાઈક્વોલિટી પ્રિન્ટિંગ સાથેની ચલણી નોટોનો જથ્થો પકડયો
(અમારા
પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ,
તા.19 : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં વિશેષ ઓપરેશન
હાથ ધરીને રૂ.2 કરોડથી વધુની ચલણી નોટો કબજે કરી હતી. સુરત તરફથી આવી રહેલી ફોર્ચ્યુનર
કારને રોકીને પોલીસે અંદરથી મહિલા સહિત સાત લોકોને નકલી નોટ સાથે દબોચી લીધા હતા.
સુરતના
સત્યમ યોગ ફાઉન્ડેશનનું બોર્ડ લગાવેલી ફોર્ચ્યુનર કાર અમદાવાદમાં આ નોટોની
ડિલિવરી
આપવા આવી હતી. પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરુજી જે સત્યમ યોગ ફાઉન્ડેશન ધરાવે
છે તે પણ ગાડીમાં હાજર હતો. રૂ.500ની નકલી નોટનો મોટો જથ્થો મળી આવતા ક્રાઈમ બ્રાન્ચના
અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરાતા ચોંકાવનારા ઘટસ્ફોટ
થયા હતા. આ ઘટનાના તાર સુરત, રાજકોટ અને ચીન સુધી જોડાયેલા હોવાનો પર્દાફાશ પણ થયો
હતો.
સુરતથી
ફોર્ચ્યુનર કારમાં એક મહિલા સહિત કેટલાક શખસો નકલી નોટનો જથ્થો લઈને અમદાવાદ ડિલિવરી
કરવા નિકળ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ સંદર્ભે બાતમી મળતા ચાર ટીમ બુધવારે મોડીરાત્રે
અમરાઈવાડીમાં વોચમાં તૈનાત હતી. ટોરેન્ટ પાવર નજીકથી એક ફોર્ચ્યુનર કારને રોકીને તેની
તલાશી લેતા તેમાંથી રૂ.2.10 કરોડની હાઈક્વોલિટી પ્રિન્ટિગ સાથેની ચલણી નોટો મળી હતી.
પોલીસે રૂ.500ના દરની 42 હજારથી વધુ નોટો સાથે પ્રદીપ જોટાંગિયા ઉર્ફે પ્રદીપ ગુરૂજી,
રમેશ બાલાર, અશોક માવાણી, ભરત કોટડિયા, દિવ્યેશ રાણા, મુકેશ ઠુમ્મર અને એક મહિલા મહિલાની
ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ સમગ્ર રેકેટના માસ્ટર
માઈન્ડ સુધી પહોંચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આટલી મોટી માત્રામાં નકલી નોટો ક્યાં
સપ્લાય કરવાની હતી અને આ નેટવર્કમાં અન્ય કેટલા
લોકો સામેલ છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.