• શુક્રવાર, 20 માર્ચ, 2026

ક્રૂડતેલમાં સટ્ટાની અસર ખાદ્યતેલ ઉપર !

પામતેલ, કપાસિયા તેલ અને સૂર્યમુખી તેલમાં ઝડપભેર ભાવવધારો

રાજકોટ,તા. 19(ફૂલછાબ ન્યૂઝ) : અખાતમાં યુદ્ધને લીધે ક્રૂડ તેલના ભાવમાં આસમાની તેજી થઇ જતાં ઘરેલુ બજારમાં મગફળી સિવાયના તમામ તેલના ભાવમાં તીવ્ર તેજી આવી ચૂકી છે. કપાસિયા, પામતેલ અને સૂર્યમુખી તેલના ભાવ પામતેલના સટ્ટા પાછળ ઘરેલુ બજારમાં ખૂબ વધી ચૂક્યાં છે. પામતેલ અને સૂર્યમુખી આયાત થાય છે પણ તેની અસરથી કપાસિયા તેલ પણ ઉછળી ગયું છે. કપાસિયા તેલમાં ગુરુવારે એક જ દિવસમાં ડબે રૂ. 40, પામતેલમાં રૂ. 50 અને સૂર્યમુખી તેલમાં રૂ. 40નો ઉછાળો આવ્યો છે. જોકે તેની સામે સીંગતેલ રૂ. 10 જ વધ્યું છે. ચાલુ વર્ષે મગફળીનું તેલ ઉંચા પાકને લીધે 3 હજાર પ્રતિ 15 કિલોની રેન્જમાં અથડાય છે પણ વિદેશી અને કપાસિયા તેલ વધી જતા હવે બન્ને વચ્ચેનો ભાવગાળો ઘટી ગયો છે. હવે તમામ તેલ સીંગતેલ કરતા રૂ. 400-500 જ સસ્તાં રહ્યા છે એટલે સીંગતેલની માગ વધવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રમાં સીંગતેલનો ભાવ રૂ. 2920-2970 ચાલી રહ્યો છે. જોકે કપાસિયામાં રૂ. 2420-2450, પામતેલમાં રૂ. 2250-2255 અને સૂર્યમુખીમાં રૂ. 2480-2500 થઇ ગયા છે. ક્રૂડ તેલી અસરથી દિવેલના ભાવમાં પણ વધારો થવાથી રૂ. 2310-2340ના ભાવ થઇ ગયા છે.

ખાદ્યતેલની તેજી ક્રૂડ તેલને લીધે આવી હોવાનું બ્રોકરો કહે છે. અખાતમાં યુધ્ધ શરૂ થયું ત્યારથી ક્રૂડ તેલના ભાવમાં વન વે તેજી થઇ ગઇ છે. ક્રૂડ તેલને લીધે પામતેલનો ભાવ ઉંચકાયો છે કારણકે મોંઘા ક્રૂડ સામે પામતેલનો બાયોડિઝલનો ઉપયોગ વધતો હોય છે. આમ મલેશિયામાં પામતેલના વાયદા માર્ચના આરંભે 4146 રીંગીટ હતા તે વધીને 4616 રીંગીટ થઇ ગયા છે. માર્ચમાં પામતેલ 11 ટકા મોંઘું થઇ જવાને લીધે આયાતી તેલ પણ વધ્યા છે.

માર્ચના આરંભથી સીંગતેલનો ડબો આજ સુધીમાં રૂ.100 મોંઘો થયો છે. જોકે તેની સામે અન્ય તેલ વધારે મોંઘા થયા છે. કપાસિયા તેલના ડબામા રૂ. 120, પામતેલમાં રૂ. 165 અને સૂર્યમુખી તેલમાં રૂ. 180ની તેજી આવી ગઇ છે. ક્રૂડતેલનો ભાવ સળગતો રહે તો તમામ તેલ હજુ મોંઘા થવાની દહેશત છે.

ઇ-પેપરના નવા શુલ્ક