• શુક્રવાર, 06 માર્ચ, 2026

ઉનાનાં ભેભા ગામે ઘરકંકાસમાં પતિએ કુહાડીના ઘા ઝીંકી પત્નીની હત્યા કરી

ત્રણ સંતાને માતાની છત્રછાયા ગુમાવી

(ફૂલછાબ ન્યુઝ)

ઉના, તા.5 : ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભેભા ગામમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. સામાન્ય ઘરકંકાસમાં ઉશ્કેરાયેલા પતિએ પોતાની જ પત્ની પર કુહાડી વડે હુમલો કરી નિર્મમ હત્યા કરી નાખતા ગામમાં અરેરાટી ફેલાઈ છે. મજૂરી કરી બાળકોનું ભવિષ્ય ઘડતી માતાનાં અકાળે મૃત્યુથી ત્રણ માસૂમ સંતાનો છત્રછાયા વિહોણા બન્યા છે.

મળતી વિગતો મુજબ, ભેભા ગામમાં રહેતા દેવશી દાનાભાઈ બાંભણિયા ઉર્ફે ઘૂઘો અને તેની પત્ની લાખુબેન (ઉં.વ. 35) વચ્ચે અવારનવાર ઘરકંકાસ થતો હતો. દેવસી વ્યવસાયે માછીમાર છે અને ચાર દિવસ પૂર્વે જ માછીમારી કરીને ઘરે પરત ફર્યો હતો. ગુરુવારે બપોરના સમયે લાખુબેન રસોઈ બનાવી રહ્યા હતા ત્યારે લાખુબેન પોતાના ભાઈ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. આ દરમિયાન દંપતી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી શરૂ થઈ હતી. બોલાચાલી ઉગ્ર બનતા દેવશી આવેશમાં આવી ગયો અને કુહાડી વડે લાખુબેનના ગળાના ભાગે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા. ગંભીર રીતે ઘાયલ લાખુબેન લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. ચોંકાવનારી બાબત એ છે કે, ઝઘડા દરમિયાન ફોન સંપર્ક તૂટી જતાં લાખુબેનના ભાઈએ ફરી ફોન કર્યો હતો. આ વખતે આરોપી દેવશીએ ફોન ઉપાડી ઠંડા કલેજે જણાવ્યું હતું કે મેં લાખુને કુહાડી મારી દીધી છે. ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ લાખુબેનને તાત્કાલિક ઉનાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

બનાવની જાણ થતાં જ ઉના પોલીસનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી હતી. પોલીસે આરોપી પતિ દેવશી દાનાભાઈ બાંભણિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક લાખુબેન મજૂરી કામ કરીને પોતાના બે દીકરા અને એક દીકરીનો ઉછેર કરતા હતા. હવે પિતા જેલના સળિયા પાછળ ધકેલાતા અને માતાનું મૃત્યુ થતાં ત્રણેય સંતાનો અનાથ સમાન બની ગયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક