ભાવનગર, તા.13 : ભાવનગરના બગદાણા પંથકમાં થોડાક દિવસો અગાઉ કોળી સમાજના યુવક ઉપર આઠ શખસોએ જીવલેણ હુમલો કર્યો હતો. જેને લઇને રચાયેલી સીટ દ્વારા પણ શંકાસ્પદ રીતે કામગીરી થતી હોય તેવું કોળી સમાજના આગેવાનોને લાગી રહ્યું છે. તેમજ સીટ દ્વારા મગનું નામ મરી પાડવામાં ન આવ્યું હોય અને ફરિયાદીને ન્યાય નહીં મળે તો તેવા તમામ પ્રશ્નોને લઈને કોળી સમાજના પંદર જેટલા આગેવાનોએ બગદાણા મંદિર પાસે આત્મવીલોપન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા પોલીસ દોડતી થઇ ગઇ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી બાજુ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતાં આઠ આરોપીને જેલ હવાલે કરાયા હતા.
ભાવનગરના બગદાણા પંથકમાં થયેલી
અરાજકતા હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને કોળી સમાજના યુવકને બેરહમીથી મારમારવાનો
મામલો હવે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. પીડિત યુવકને ન્યાય અપાવવા માટે થઇને કોળી સમાજના
મોટા ગજાના નેતાઓ એક મંચ ઉપર આવી, મુખ્યમંત્રી સમક્ષ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી અને
રજૂઆતમાં જીવલેણ હુમલો કરાવનાર મુખ્ય સૂત્રધાર છટકી ન જાય અને પિડીતને ન્યાય મળે તેવી
રજૂઆત કરાઇ હતી. જે રજૂઆતને ધ્યાને લઇને મુખ્યમંત્રીએ સીટની રચના કરવાના આદેશ આપ્યા
હતા. સીટ દ્વારા પણ જેલમાં રહેલા આઠ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
જે રિમાન્ડ પૂર્ણ થતાં આરોપીને મહુવા કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીને જેલ હવાલે કરવાનો
હુકમ કર્યો હતો. ત્યારે આ મામલે સીટ દ્વારા તપાસમાં મગનું નામ મરી પાડવામાં ન આવતા
કોળી સમાજના પંદર જેટલા આગેવાનો આગળ આવ્યા છે અને પીડિત યુવકને ન્યાય નહીં મળે તો આગામી
તા.15ના રોજ બગદાણામાં આત્મવીલોપનની ચીમકી ઉચ્ચારતા પોલીસે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ગોઠવી દીધો છે.