પુત્રી-પિતાનું
ઘટનાસ્થળે અને માતાનું સારવાર દરમિયાન મૃત્યુ
સુરત,
તા. 15: ઉત્તરાયણના તહેવારમાં દોરીને લીધે અકસ્માતની અનેક ઘટના સામે આવતી હોય છે ત્યારે
સુરતમાં ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ પરથી એક પરિવારના ત્રણ સભ્ય બાઈક પર પસાર થઈ
રહ્યા હતા. તે વેળાએ પતંગની દોરી અચાનક તેમની સામે આવતા દોરી હટાવવા જતાં બાઈકચાલકે
સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવતા ત્રણેય સભ્ય 70 ફૂટ ઊંચા બ્રિજ પરથી પટકાયા હતા. જેમાં
એક જ પરિવારના ત્રણ સભ્યોના મૃત્યુ નીપજ્યા છે. 7 વર્ષીય પુત્રી અને 35 વર્ષીય પિતાનાં
ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતા, જ્યારે માતા બ્રીજ નીચે પાર્ક કરેલી ઓટોરિક્ષા પર પડવાના
લીધે ગંભીર ઇજા થઈ હતી. જેને તાબડતોબ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આજે માતાનું
સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
મળતી
માહિતી મુજબ શહેરના વેડરોડ અને અડાજણ વિસ્તારને જોડતો ચંદ્રશેખર આઝાદ ફ્લાયઓવર બ્રિજ
પરથી ગત રોજ મોડી સાંજે રેહાન (ઉ.35) તેની પત્ની અને 7 વર્ષીય પુત્રી સાથે સુભાષ ગાર્ડન
ફરવા નીકળ્યો હતો. તે વેળાએ ચંદ્રશેખર આઝાદબ્રિજ પરથી પસાર થતી વખતે, અચાનક પતંગની
દોરી રેહાનના શરીરને અડી હતી, જેથી રેહાને ચાલુ બાઈકે દોરી હટાવવાનો પ્રયાસ કરતા તેના
વાહનનું સંતુલન બગડતા પુલના ડિવાઈડર સાથે અથડાયું હતું. આ ટક્કરમાં બાઈક પર સવાર રેહાન,
તેની પત્ની રેહાના અને પુત્રી આયેશા 70 ફૂટ ઉંચા બ્રિજ પરથી નીચે પટકાતા રેહાન અને
તેની પુત્રી આયેશાનુ ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યુ હતુ. જ્યારે પત્ની રેહાના બ્રિજ નીચે
પાર્ક કરેલી ઓટો-રિક્ષા પર પડી હતી, જેના લીધે તેને ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણ
થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પિતા-પુત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ
અર્થે ખસેડી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.