ડિસેમ્બરમાં
વેપાર ખાધમાં પણ વધારો નોંધાયો
નવી
દિલ્હી, તા.1પ: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લાદેલા વધારાના ટેરિફથી ભારતની
નિકાસ ઉપર કોઈ મોટી અસર થતી દેખાઈ રહી નથી કારણ કે ભારતે નિકાસમાં વૃદ્ધિ નોંધાવી છે.
ટેરિફનાં દબાણ અને વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની નિકાસમાં વધારો થયો છે. ડિસેમ્બર 2025માં ભારતની નિકાસ 1.87 ટકા વધીને
38.5 અબજ ડોલર અમેરિકી ડોલર થઈ હતી. જો કે ભારતે અન્ય દેશોમાંથી આયાત પણ વધારે કરી
હોવાથી વેપાર ખાધમાં વધારો થયો છે. ભારતની વેપાર ખાધ વધીને 25 અબજ અમેરિકી ડોલર જેટલી
થઈ ગઈ છે.
આજે
જારી કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર ડિસેમ્બરમાં ભારતની આયાત 8.7 ટકા વધીને 63.55
અબજ ડોલર થઈ હતી. તેથી નિકાસ કરતાં 25.04 અબજ ડોલર જેટલી વધુ આયાત થઈ.
વાણિજ્ય
સચિવ રાજેશ અગ્રવાલે આ આંકડાઓ જાહેર કરતાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં
નિકાસ 850 અબજ અમેરિકી ડોલરને પાર કરી જશે. જેનાં શિપમેન્ટમાં વધારો થયો છે તેમાં મુખ્યત્વે
એન્જિનિયરિંગ, ઈલેક્ટ્રોનિક્સ, ફાર્માસ્યૂટિકલ્સ સામેલ છે. અમેરિકા, ચીન અને યુએઈમાં
ભારતની નિકાસમાં વધારો થયો છે.