• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ઠંડીનો બોકાસો : ગિરનાર 2.5 ડિગ્રી સાથે ઠંડોગાર : અમરેલી 6 ડિગ્રી સાથે ઠુંઠવાયું

શિયાળાની સીઝનનો સૌથી ઠંડો દિવસ : નલિયા કરતા રાજકોટ, પોરબંદર, અમરેલી અને જૂનાગઢમાં વધુ ઠંડી

            રાજ્યના 8 શહેરમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજીટમાં

રાજકોટ, તા.15: રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શિયાળાએ હવે અસલી રંગ પકડયો હોય એમ આજે તાપમાન એકાએક નીચે સરકી જતા લોકો થરથર કાપ્યા હતા. રાજયના સૌથી ઠંડા ગણાતા નલિયા કરતા પણ આજે અમરેલી અને રાજકોટમાં ઠંડી વધુ નોંધાઇ હતી. ગિરનાર પર્વત તો જાણે આજે હિમાલય પર્વત હોય એમ તાપમાન 2.5 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. તો વળી આજે અમરેલી 6 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. તેમજ નલિયા કરતા રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં વધુ ઠંડી રહેવા પામી હતી. રાજ્યના 8 શહેરમાં લઘુતમ તાપમાન સિંગલ ડિજીટમાં રહેવા પામ્યું હતું.

તીવ્ર ઠંડી અને શીતલહેરના કારણે જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. વહેલી સવારથી જ રસ્તાઓ સૂમસામ ભાસે છે અને લોકો ઠંડીથી બચવા માટે તાપણાં અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યા છે. પવનની ગતિમાં થયેલા વધારાને કારણે ‘િચલ્ડ ફેક્ટર’ની અસર અનુભવાઈ રહી છે, જેનાથી ઠંડીની તીવ્રતા વધુ આકરી લાગી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી 48 કલાક દરમિયાન રાજ્યના લઘુતમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે.જોકે ત્યારબાદ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા મળશે નહીં. એટલે કે હાલ જે ધ્રુજાવી દે તેવી ઠંડી અનુભવાઇ રહી છે. તેમાં આંશિક રાહત આગામી દિવસોમાં મળી શકે છે.

અમરેલી: આજે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન અમરેલીમાં પ્રથમ વખત 6 ડિગ્રી જેટલું નોંધાતા લોકોએ પ્રથમ વખત આજે ચાલું શિયાળામાં કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો જ્યારે ઠંડીનાં કારણે જનજીવન ઠુંઠવાયું હતું. ગઈકાલે મકરસંક્રાંતિની ઉજવણી કર્યાં બાદ આજે સવારમાં શહેરમાં બજારોમાં ચહલપહલ ખૂબ જ ઓછી જોવા મળતી હતી. આજે વાસી ઉત્તરાયણમાં બાળકો તથા યુવાનો સ્કૂલ કોલેજ જતા હતાં ત્યારે આજની કડકડતી ઠંડીમાં ગરમ કપડાં પહેરી સ્કૂલ જતા જોતાં મળ્યા હતા.      

જૂનાગઢ: સોરઠમાં હેમાળો હલકયો હોય તેમ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે તાપમાનનો પારો 7.5 ડિગ્રી પહોંચતા જનજીવન થરથરી ઉઠયું છે. ગિરનારમાં તાપમાન 2.5 ડિગ્રીએ પહોંચતા કાશ્મીરની અનુભૂતિ થવા લાગી છે. લોકો ઠંડીથી બચવા ઘરમાં પુરાઈ ગયા જેવી સ્થિતિ સર્જાય છે.   

ભાવનગર: ગોહિલવાડ પંથકમાં આજે સીઝનની સૌથી વધુ ઠંડી 10.6 ડિગ્રી નોંધાઈ છે. આજનું મહતમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું.

અમરેલીમાં દાયકાની સૌથી વધુ ઠંડી

હવામાન વિભાગના આંકડા મુજબ, વર્ષ 2014 પછી જાન્યુઆરી માસમાં ક્યારેય આટલી નીચી સપાટીએ તાપમાન ગયું નથી. અગાઉ 6 જાન્યુઆરી 2014ના રોજ અમરેલીમાં 5.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારબાદ આ વર્ષે નોંધાયેલું 6 ડિગ્રી તાપમાન દાયકાની સૌથી વધુ ઠંડી દર્શાવે છે.

કયા કેટલી ઠંડી ?

શહેર      તાપમાન

ગિરનાર  2.5

અમરેલી 6

કેશોદ                 7.4

જૂનાગઢ 7.5

રાજકોટ  8.4

પોરબંદર 8.9

ડીસા                  9.3

મહુવા                9.5

નલિયા   9.6

વડોદરા   10

ગાંધીનગર           10.5

ભાવનગર            10.6

સુરેન્દ્રનગર          11

કંડલા પોર્ટ           11.5

અમદાવાદ           11.5

ભુજ                  12.4

સુરત                  13.2

વેરાવળ  14.2

 દ્વારકા  15.7

ઇ-પેપરના નવા શુલ્ક