• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ફ્રાંસ સાથે સૌથી મોટા સંરક્ષણ સોદાની તૈયારી

3.25 લાખ કરોડમાં 114 રાફેલ ખરીદશે ભારત, 30 ટકા સ્વદેશી નિર્માણનો પ્રસ્તાવ

નવી દિલ્હી તા.1પ : ભારત સરકારે ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવા આશરે રૂ.3.25 લાખ કરોડની મેગા ડિફેન્સ ડીલને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયા ઝડપી બનાવી છે. સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ દરખાસ્ત પર ચર્ચા કરવામાં આવશે જેમાં આશરે 30 % સ્વદેશી સામગ્રી ભારતમાં બનાવવામાં આવશે.  ભારત ફ્રાન્સ સાથે આ સોદો કરી રહ્યું છે જ્યારે અમેરિકા અને રશિયા બંનેએ ભારતીય વાયુસેનાને તેમના પાંચમા પેઢીના ફાઇટર એરક્રાફ્ટ (એફ 35 અને એસયૂ 57) પૂરા પાડવાની ઓફર કરી છે. જો આ સોદો મંજૂર થયો તો ભારતીય સેનામાં રાફેલ વિમાનોની કુલ સંખ્યા ભવિષ્યમાં 176 સુધી પહોંચી જશે. વાયુસેના પાસે હાલ 36 વિમાન છે અને નૌકાદળે ગયા વર્ષે 26નો ઓર્ડર આપ્યો હતો.  સંરક્ષણ સૂત્રોએ જણાવ્યા અનુસાર, દરખાસ્ત મુજબ ફ્રાન્સ ભારતીય વાયુસેનાને ફ્લાય-અવે સ્થિતિમાં આશરે 12-18 રાફેલ જેટ પૂરા પાડશે જ્યારે બાકીના વિમાનોને ભારતમાં બનાવવામાં આવશે. આ વિમાનોમાં આશરે 30 % સ્વદેશી સામગ્રી હશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી બે થી ત્રણ દિવસમાં સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં ચર્ચાના પ્રસ્તાવ અનુસાર, ભારતીય પક્ષ ફ્રાન્સને સરકાર-થી-સરકાર કરાર હેઠળ ફ્રેન્ચ વિમાનોમાં ભારતીય મિસાઇલો અને સ્વદેશી સિસ્ટમોના એકીકરણની મંજૂરી આપવા માટે અપીલ કરી રહ્યો છે. સોર્સ કોડ ફક્ત ફ્રેન્ચ પક્ષ પાસે રહેશે. 

ઇ-પેપરના નવા શુલ્ક