કિલોનો ભાવ 25000-30000 : 100 વર્ષ જૂના વૃક્ષની છાલ ઉપર જ ઉગે
શ્રીનગર,
તા.13 : હિમાલયમાં દુર્લભ કેન્સર વિરોધી ચાગા મશરૂમ મળી આવ્યો છે. તે 100 વર્ષ જૂના
વૃક્ષની છાલ પર ઉગે છે. હર્બલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (બોર્ડ) ના નિવૃત્ત વરિષ્ઠ વૈજ્ઞાનિક
ડૉ. વિજય ભટ્ટે સંશોધન દ્વારા તેની ઓળખ કરી છે.
ઉત્તરાખંડના
ઉચ્ચ હિમાલય પ્રદેશોમાં કુદરતનો એક અમૂલ્ય ઔષધીય ખજાનો મળી આવ્યો છે. નિવૃત્ત વરિષ્ઠ
વૈજ્ઞાનિક ડૉ.વિજય ભટ્ટે ધારચુલાના બાલિંગ અને સિપુ જેવા દૂરના વિસ્તારોમાં ચાગા મશરૂમની
ઓળખ કરી છે. આ મશરૂમ દુર્લભ છે અને કેન્સર જેવા જીવલેણ રોગો સામે લડવામાં સક્ષમ હોવાનો
દાવો કરાય છે. વૈજ્ઞાનિકોના મતે આ મશરૂમ 100 વર્ષથી વધુ જૂના બિર્ચ વૃક્ષોના થડ પર
ઉગે છે. ડૉ.ભટ્ટે સમજાવ્યું કે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે ચાગા મશરૂમ
(મિનોનોટસ ઓબ્લિકસ) મુખ્યત્વે સાઇબીરિયા અને રશિયાના ઠંડા જંગલોમાં જોવા મળતું હતું.
જો કે ધારચુલા અને નીતિ ખીણમાં 3,000 મીટરથી વધુ ઊંચાઈએ તેની હાજરીથી સંશોધકો ઉત્સાહિત
છે. તે ભૂરા-કાળા રંગનું દેખાય છે જે બળેલા કોલસા અથવા મધમાખીના છાંટા જેવું લાગે છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ચાગા મશરૂમની ખૂબ માગ છે. સાઇબીરિયા અને રશિયાથી આયાત કરાયેલા
ચાગા મશરૂમ દિલ્હી સહિત મોટા શહેરોમાં પ્રતિ કિલોગ્રામ 25000થી 30000 રૂપિયામાં વેચાય
છે.