સૌ.
યુનિ.ના પૂર્વ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીને અમરેલી જિલ્લા વિદ્યાસભા નિયામક પદ પરથી કાઢી
મુકાયા
અમરેલી,
તા. 15: ‘લે બેટા કોલ્ડ્રીંક્સ પી....’ માઉન્ટ
આબુમાં પ્રવાસ દરમિયાન નશામાં ધૂત થઈ વિદ્યાર્થિનીઓની છેડતી કરી હોવાના આક્ષેપ બાદ
અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક પ્રો.ગિરીશ ભીમાણીને કાઢી મુકાયા છે તેમજ આજીવન કેમ્પસમાં
પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદી દીધો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. સાથે અમરેલી જિલ્લા
વિદ્યાસભાએ પૂર્વ કુલપતિ ડો. ગિરીશ ભીમાણીના કૃત્યને લાંછનરૂપ ગણાવ્યું છે.
બનાવમાં
જાણવા મળતી વિગત મુજબ અમરેલી વિદ્યાસભા સંચાલિત બી.સી.એ. કોલેજની વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ
માટે ચાર દિવસનો આબુનો શૈક્ષણિક પ્રવાસ યોજવામાં આવ્યો હતો. જે પ્રવાસ દરમિયાન સૌરાષ્ટ્ર
યુનિ.ના ભુતપૂર્વ કુલપતિ અને હાલ અમરેલી વિદ્યાસભાના કોલેજ વિભાગના કેમ્પસ નિયામક ગિરીશ
ભીમાણી પોતાની ખાનગી કારમાં આબુ પહોંચી ગયા હતાં અને નશાની હાલતમાં 10 જેટલી વિદ્યાર્થીનીઓ
સાથે અશોભનીય વર્તન કર્યું હતું.
છેડતી
અને અયોગ્ય સ્પર્શનો વિદ્યાર્થિનીઓએ વિરોધ કરતા કેમ્પસ નિયામકે તેમની સાથે ઉગ્ર દલીલો
કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં પ્રવાસની બસ કેમ્પસમાં પહોંચે
તે પહેલાં વિદ્યાર્થી પરીષદના 20થી વધુ કાર્યકર્તાઓ ત્યાં ધસી ગયા હતાં. વિદ્યાર્થિનીઓની
આપવીતી જાણ્યા બાદ રોષ વ્યક્ત કરી કેમ્પસ નિયામક સામે ઉગ્ર પગલાં લેવાની માંગણી કરી
હતી. જોકે આ બનાવ અંગે હજી કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી.
આ ઘટનાની
જાણ થતાં તુરત જ ટ્રસ્ટી મંડળની બેઠક મળી હતી. જેમાં સંસ્થાની પ્રતિષ્ઠાને લાંછન અને
અશોભનીય વર્તન અંગેની વિદ્યાર્થિનીઓની ફરિયાદ બાદ વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા
સાથે સંસ્થાના મનસુખભાઈ ધાનાણીએ ચર્ચા કર્યા બાદ કેમ્પસ નિયામક સહિતની જવાબદારીમાંથી
ગિરિશ ભીમાણીને દૂર કરવામાં આવ્યા હોવાની લેખિત જાણ મંત્રી ચતુરભાઈ પટેલે કરી હતી.
શિક્ષણ જગત માટે શરમજનક આ કિસ્સામાં પોલીસ ફરિયાદ થશે કે કેમ? તે મુદ્દો આજે ચર્ચાસ્પદ
બની રહ્યો હતો.