પતંગ-દોરા ખરીદવા ભારે ભીડ : ઊંધિયા સાથે અગાશીએ ડીજે પાર્ટી
રાજકોટ, તા.13 (ફૂલછાબ ન્યૂઝ) : સૌરાષ્ટ્રમાં આજે
ઉમંગભેર મકર સંક્રાંતિની આકાશી ઉજવણી કરાશે. મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર
ગુજરાતમાં ગામેગામ પતંગ દોરાની ખરીદી પૂરબહારમાં નીકળી હતી. બપોર પછીથી તમામ શહેરોમાં
ગિર્દી વધી રહી હતી અને મોડી સાંજ સુધી ચિક્કાર ખરીદી દેખાતી હતી. દોરાના ભાવમાં મોટાં
ફેરફાર નથી પણ પતંક મોંઘીદાટ થઇ જતા લોકોમાં ભારે કચવાટ હતો.
આવતીકાલે પતંગ-દોરાની સાથે મોટેથી
અવાજ કરતા ભૂંગળા, ક્યાંક ડીજે ગોઠવવાની તૈયારી, ખીચડો, ઊંધિયું ખરીદવાની વ્યવસ્થા
આજે થઇ હતી. ઉતરાયણે હજારો કિલો ઉંધિયાનો વેપાર થાય એમ છે. મોડેથી જીંજરા, બોર, ચીક્કી
વગેરેની ખરીદી પણ એકદમ વધી ગઇ હતી. રાજકોટની સદર બજાર પતંગ-દોરાની ખરીદી માટે વખણાય
છે. જ્યાં બપોર પછીથી ગ્રાહકોની ભીડ વધતી જતી હતી. ઓપરેશન સિંદૂર, લાલો અને ધૂરંધર
ફિલ્મની સાથે રોકેટ, બાજની પતંગ ખૂબ વેચાઇ હોવાનું વેપારીઓ જણાવે છે. પ્લાસ્ટિકમાં
અવનવા આકારની પતંગ તથા સ્ટાન્ડર્ડ મોરલા અને આંખો કે ચંદ્રવાળી પતંગ ખૂબ વેચાઇ છે.
પતંગમાં ભારે મોંઘવારી વચ્ચે પંજાનો ભાવ લઘુતમ રૂ. 25 અને ઉંચામાં રૂ. 1500 સુધીનો
રહ્યો છે.
બરેલીની ટૂર્નામેન્ટની અને લાલો ફિલ્મની પતંગ ટ્રેન્ડ
છે. આ વખતે ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદી અને પુષ્પા સહિતના ફિલ્મની પતંગે જોવા મળી
રહી છે. અમદાવાદ, વડોદરા, સુરત, નડિયાદ અને ખંભાતથી પતંગ અને દોરા એક્સપોર્ટ થાય છે.
જ્યાં પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ઘરે ઘરે ચાલે છે. પતંગદોરાની સાથે ટોપી, બ્યુગલ, ભૂંગળા
ફેસ માસ્ક સહિતની અનેક નાની નાની ચીજો ફેરિયાઓ અને દુકાનોવાળાએ વેંચી હતી. જેના ભાવ
રૂ 20થી 200 સુધીના રહ્યા છે.
ઉત્તરાયણે ખીચડો અને ઊંધિયું
ખાવાની પરંપરા રહી છે. ખીચડો મોહલ્લા પ્રમાણે રૂ. 200થી 500માં અને ઊંધિયું રૂ.
400થી 800 સુધી કિલો લેખે મળતું હતું. જીંજરાનો ભાવ ઉતરાણને લીધે વધીને રૂ. 80થી
100 થઇ ગયો છે. શેરડીનો સાંઠો રૂપિયા ચાલીસથી પંચ્યોતેરમાં મળે છે. જ્યારે ચીક્કીનો
ભાવ રૂ. 200થી 500 વેરાઇટી પ્રમાણે ચાલે છે.
સૌરાષ્ટ્રના મોટા શહેરો ઉપરાંત હવે નાના તાલુકા અને
ગામોમાં પણ પતંગપર્વ ઉલ્લાસભેર મનાવાય છે. ધારીમાં છેલ્લા દિવસે દોરો પાવામાં લોકોની
ભીડ જોવા મળી હતી. માળિયા હાટિનાના ચોરવાડ ગામે અવનવી પતંગો, માસ્ક અને દોરાઓની વેરાયટી
જોવા મળી હતી. પતંગ રસીયાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમરેલી : અમરેલી શહેર અને જિલ્લામાં
અવનવી ડિઝાનઈ સાથેની રંગબેરંગી અનેક પતંગ અને દોરાઓનું આગમન થયાનું જોવા મળી રહ્યું
છે. ઉત્તરાયણના હિસાબે છેલ્લા ત્રણ દિવસથી ભારે ઘરાકી જોવાં મળી રહી છે. ઉત્તરાયણ નજીક
આવતા જિલ્લા ભરમાં પતંગ, દોરા, ગુબરાઓ, શેરડી, બોર તથા ચીકી સહિતની વસ્તુઓમાં ભારે
ઘરાકીમાં વધારો જોવા મળી રહી છે.
જામનગર : છેલ્લા દોઢ દાયકામાં
જામનગરમાં ઉત્તરાયણ પર પતંગ ચગાવવાનો ટ્રેન્ડ જામ્યો છે. જેને પગલે રાજકોટનાં સદર બજારની
પતંગ બજાર જેવા જ દૃશ્યો શહેરનાં લંઘાવડનાં ઢાળીયા તથા શાક માર્કેટ આસપાસનાં વિસ્તારમાં
જોવા મળે છે. પતંગ માર્કેટમાં આ વખતે 10થી 15% જેવો ભાવ વધારો લોકો અનુભવી રહ્યા છે.
બજારમાં રૂ. પ થી લઇ રૂ. 400 સુધીનાં પતંગ ઉપલબ્ધ છે. તો 100 રૂપિયાથી લઇ 1500 રૂપિયા
સુધીની રેન્જમાં દોર હાજર છે. આ વખતે ‘પુષ્પા’ ફિલ્મના પોસ્ટર જેવા પતંગો પણ ટ્રેન્ડીંગ
છે. ધાબા પર પતંગબાજીની મોજ માણવા બ્યુગલ - ટોપી, ચશ્મા વગેરે અન્ય એસેસરીઝની પણ માંગ
છે.
ધોરાજી : ધોરાજી મકરસંક્રાંતિ
પર્વમાં નરેન્દ્ર મોદીનો ઓપરેશન સિંદૂરનો પતંગનો ક્રેઝ જોવા મળ્યો છે. બાળકો પણ ઓપરેશન
સિંદૂરની પતંગ લઈને આનંદ માણી રહ્યા છે
મોરબી : મોરબીમા હાલ
સિરામિક ઉદ્યોગમા મંદીના પગલે શહેરના અન્ય ધંઘાઓમાં ભારે મંદીનું વાતાવરણ છે
પણ ઉત્તરાયણ ની ઉજવણી માટે પંતગ રસિયાઓમા, પંતગ
ફીરકી દોરાની ખરીદીમાં ભારે ઉત્સાહ છે. આ ઉત્તરાયણમાં પંજાબી, જયપુરી, બરેલીની
પંતોગોની ખરીદી ધૂમ થઈ રહી છે.