• ગુરુવાર, 04 ડિસેમ્બર, 2025

નલિયા 10 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર

-આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે, ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ

અમદાવાદ, તા. 2: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં અનેક શહેરમાં લઘુતમ તાપમાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડું શહેર નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં નલિયાના તાપમાનમાં 4.8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ગઈકાલે ઠંડુંગાર રહેલું કંડલા આજે ગરમ બન્યું છે. કંડલાના તાપમાનમાં 7 ડિગ્રીનો વઘારો નોંધાયો છે. એક દિવસમાં રાજ્યના અનેક શહેરોના લધુત્તમ તાપમાનમાં ફેરફાર જોવા મળ્યો છે.

રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ નોંધાતા લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધીનો વધારો તો કયાક બેથી ચાર ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. હજુ પણ આગામી 7 દિવસ દરમિયાન અમદાવાદમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. સાથે વહેલી સવારે અને મોડી રાતે ઠંડીનો ચમકારો અનુભવાય તેવી શક્યતા છે. આગામી સાત દિવસના સમયગાળા દરમિયાન વાતાવરણ સંપૂર્ણ સૂકું રહેશે, તાપમાનમાં કોઈ ખાસ મોટો ફેરફાર નહિ થાય. કચ્છના નલિયામાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્શિયસની આસપાસ નોંધાયું છે. હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે શીતલહેરની તીવ્રતા સામાન્ય રહેશે. સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ, ઉત્તર ગુજરાત અને કચ્છમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કે સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં સામાન્યથી થોડું વધુ તાપમાન રહેવાની શક્યતા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક