કેરળ, ગોવાનો ટ્રાફિક પણ વધ્યો: ઉત્તર ભારતમાં જનારા પ્રવાસીઓ ઓછા: દાર્જિલિંગ અને અંદામાન જનારા પ્રવાસીઓની સંખ્યા ઘટી : દિવ, સોમનાથ, દ્વારકા, ગીર, સાપુતારા, સ્ટેચ્યુ સહિતના સ્થળોએ ભીડ સર્જાશે
નિલય ઉપાધ્યાય
રાજકોટ,
તા.17: દિવાળીની ઉજવણી ઘેર રહીને કરનારો વર્ગ બહુ મોટો છે. જોકે ધંધાદારી વર્ગ દિવાળીની
રજાઓમાં ફરવા ઉપડી જવામાં માનનારો છે. દિવાળી એટલે જાણે ફરવા જવા માટેનો અવસર. ઉજાસના
તહેવારનો અનુભવ દેશના વિવિધ સ્થળોની ટૂરમાં કરવાવાળો વર્ગ 80 ટકા છે, જોકે સુખી-સંપન્ન
પરિવારો ભારત બહારના દેશોની સહેલગાહ માણે છે. 2025માં વિદેશ ટૂર માણનારા લોકોની સંખ્યા
ઘટી છે. દેશમાં રાજસ્થાન, કેરળ અને ગોવાનો ટ્રાફિક ખૂબ છે. રાજસ્થાન ટૂર સસ્તી અને
સલામત હોવાને લીધે રાજસ્થાન તરફ લોકો ખૂબ મોટી સંખ્યામાં જઇ રહ્યા છે. રાજકોટના અલગ
અલગ ટ્રાવેલ એજન્ટોએ તે બાબતની પુષ્ટિ કરી છે. જીયા હોલિડેના વિશાલ લાઠીયા કહે છેકે,
બે ત્રણ વર્ષ પૂર્વે આ વેકેશન દરમિયાન કાશ્મીર, હિમાચલ અને દાર્જિલિંગ જેવા સ્થળોનો
જબરો પ્રવાહ હતો. હવે પ્રવાસીઓ એ તરફ ખૂબ ઓછાં જાય છે. જોકે રાજસ્થાન જવા માટે સૌથી
વધારે બાકિંગ મળ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ઉત્તર
ભારતમાં કાશ્મીરનું ડહોળાયેલું વાતાવરણ, હિમાચલમાં લેન્ડ સ્લાઇડીંગની ઘટનાઓ, નેપાળમાં
શાંતિ જેવા પરિબળોને લીધે ત્યાં જનારા ટુરિસ્ટો એકદમ ઘટી ગયા છે. લોકો જાય છે પણ છૂપા
ડર સાથે યાત્રા કરવી પડે છે.
જોકે
અત્યારે સૌથી વધારે હોટ ફેવરીટ હોય તો તે રાજસ્થાન ટૂર છે. રાજસ્થાનમાં જેસલમેર, ઉદયપુર,
કુંભલગઢ, જયપુર, પુષ્કર, ખાટુશ્યામ, સાંવરિયા શેઠ અને શ્રીનાથજી જેવા સ્થળોએ સૌરાષ્ટ્રના
લોકો ખૂબ મોટી સંખ્યામાં જઇ રહ્યા છે. રાજસ્થાન તરફ ટ્રાફિક વધી જવાને લીધે પેકેજમાં
20-30 ટકાનો ભાવવધારો પણ થયો છે.
ટ્રાવેલ
એજન્ટસ કહે છે, જેસલમેર ટેન્ટમાં ભાડું રૂ. 3000-3500 હોય છે. અત્યારે 6થી 7 હજાર સુધી
પણ બોલાય છે. પેકેજ રૂ. 18થી 25 હજાર વચ્ચે પ્રતિ વ્યક્તિ થઇ જાય છે.
માધવન
ટુરિઝમના તુષાર નિમાવત કહે છે, રાજસ્થાનમાં ખાટુશ્યામ સાથે જયપુર, પુષ્કર વગેરે સેન્ટરના
ચાર દિવસના પેકેજમાં પ્રતિ વ્યક્તિ રૂ. 6500 જેવા ચાલે છે. સાવરીયા શેટ સાથે હરિદ્વાર
વગેરે પેકેજ ચાલે છે. જેસલમેર સહિતના સ્થળો 6-7 દિવસના પેકેજમાં રૂ. 12-13 હજારમાં
થઇ જાય છે. અયોધ્યા-કાશીના 9-10 દિવસના પ્રવાસ પણ અત્યારે ચાલી રહ્યા છે.
જોકે
રાજસ્થાન ઉપરાંત સૌરાષ્ટ્રના લોકો કેરળ અને ગોવા પણ દર વર્ષની માફક ફરવા જઇ રહ્યા છે.
બન્ને સ્થળે સ્થિતિ સ્થિર અને શાંત છે. બેંગલોર અને હૈદરાબાદનો ટ્રાફિક પણ સારો છે.
અંદામાન જનારો વર્ગ ઓછો છે. એનું પેકેજ ફ્લાઇટ સાથે પ્રતિ વ્યક્તિ રૂ. 50-55 હજાર આસપાસ
થાય છે.
સૌરાષ્ટ્રમાં
લોકલ ફરવા માટે સાસણગીર, દિવ, સોમનાથ, દ્વારકા, કચ્છ, સ્ટેચ્યુ, પોલો ફોરેસ્ટ, નડાબેટ
વગેરે જેવી જગ્યાઓ પર પણ પ્રવાસીઓની ભારેભીડ દેખાનાર છે. મોટાંભાગના લોકોના પ્રવાસ
16મી ઓક્ટોબરથી 25 ઓક્ટોબર વચ્ચેના હશે.