કરોડના ચેક બેંકોમાં રજૂ કરાયા પછી ક્લિયર થવામાં મુશ્કેલી : કર્મચારીઓને દિવાળીએ કામ કરવું પડશે ?
રાજકોટ, તા.18(ફૂલછાબ ન્યૂઝ)
: રિઝર્વ બેન્કે સમાન દિવસે ક્લિયરીંગનો નિયમ લાગુ કર્યાને પંદર દિવસ વિતી ગયા છે.
જોકે હજારો ચેક હજુ પણ ક્લિયરીંગ સિસ્ટમમાં અટવાયેલા પડયાં છે. વારંવાર સર્વર ડાઉન
થઇ જવાની ફરિયાદને લીધે કરોડોના પેમેન્ટ તહેવારના સપરમા દિવસોમાં ન થઇ શકતા ગ્રાહકો
પરેશાન થઇ ગયા છે. રિઝર્વ બેંકે અટવાયેલા પેમેન્ટ છૂટ્ટા કરવા માટે બેંકો પર સખ્તાઇ
દાખવી નથી. પરિણામે અનેકને નાણા હોવા છતાં તંગી ભોગવવી પડે છે. બેંકિગ ક્ષેત્રમાં એવી
ચર્ચા છેકે દિવાળીના દિવસોમાં પણ કેટલીક બેંકો કામકાજ કરવા માટે બોલાવી શકે છે. જો
એમ થાય તો કર્મચારીઓની દિવાળી બગડી શકે. બાંકિંગ વર્તુળોમાંથી મળતી માહિતી પ્રમાણે
મોટાંભાગની સરકારી બેંકોમાં ચેકનું ક્લિયરીંગ શનિવારે બપોરે 12 વાગ્યાથી બંધ થઇ જતા
કરોડોની રકમ ફસાયેલી છે. સર્વર ધીમા ચાલતા હતા ત્યારે થોડું કામકાજ થતું હતું પણ અત્યારે
ઠપ થઇ ગયું છે એનાથી પરેશાની છે.
એક બેંકરે કહ્યું કે, ઉપરોક્ત
સમસ્યા ચાર પાંચ દિવસથી વકરી છે. કોઇ એક બેંકમાં સરખી રીતે પ્રક્રિયા થાય તો બીજે ક્યાંક
બંધ થઇ જાય છે. રિઝર્વ બેંકની એક સાંધો ત્યાં તેર તૂટે તેવી હાલત છે. આમ તો 4 ઓક્ટોબરથી
સમાન દિવસે ક્લિયરીંગનો નિયમ લાગુ પડયો ત્યારથી બેંકો સાથે વ્યવહાર કરવામાં ગ્રાહકો
પરેશાન થઇ ચૂક્યા છે.
તેમણે કહ્યું કે, સાઉથ ગ્રીડ
અને વેસ્ટર્ન ગ્રીડ એમ બે ગ્રીડમાં ચેક ક્લિયર થતા હોય છે. વેસ્ટર્ન ગ્રીડમાં પારાવાર
સમસ્યા છે. જે મુંબઇથી ક્લિયર થાય છે. વેસ્ટર્ન ગ્રીડમાં વારંવાર ખોટકો સર્જાય છે.
એ ઉપરાંત દરેક બેંકોએ સમાન દિવસે ક્લિયરીંગ શરૂ કર્યું નથી એ કારણે પણ વ્યવહારો સરળતાથી
થતાં નથી. મૂળ સમસ્યા એનસીપીઆઇ તરફથી છે પણ બેંકો ગ્રાહકના રોષનો ભોગ બની રહી છે.
દિવાળીના સપરમા દિવસોમાં અનેકને
પગાર, બોનસ સહિતના ખર્ચ ચૂકવવાના હોય. ધંધાદારી વર્ગના પેમેન્ટ ચૂકવાતા હોય ત્યારે
ચેકના ક્લિયરીંગ ઠપ થઇ જતા ચેક મેળવનાર અને આપનાર વચ્ચે નાહક તનાવ સર્જાવા લાગ્યો છે.