ગુજરાતના
ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર થયા પછી પણ ખેડૂતોમાં તીવ્ર અસંતોષ છે. વરસાદ ઓછો થવાથી
વર્ષ નબળું રહ્યું છે, હવે સરકાર જરા વધારે વરસે તો સારૂં તેવું આ ચાર જિલ્લા ઉપરાંત
રાજ્યના અન્ય વિસ્તારના ખેડૂતો ઈચ્છી રહ્યા છે. અલ નિનોની અસર, જળવાયુ પરિવર્તનને લીધે
ચોમાસું નબળું ગયું છે. તજજ્ઞોએ તો તેની આગાહી કરી જ હતી તેમ છતાં આશા એવી હતી કે,
વરસાદ પડશે પરંતુ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં અપેક્ષિત વરસાદ થયો નહીં. પોરબંદર,
જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ આ ચાર જિલ્લા એવા છે જ્યાં 50 ટકાથી પણ ઓછો વરસાદ
થયો અને તે દુષ્કાળગ્રસ્ત જાહેર થયા છે.
જો
કે, અન્ય ઘણા જિલ્લા એવા છે જ્યાં પાણી અને ઘાસચારાની અછત તો છે જ પરંતુ સરકારી ધોરણ
મુજબ તે દુષ્કાળગ્રસ્ત નથી. લાંબા સમયથી ખેડૂતોની, ખેડૂત સંગઠનોની તથા વિપક્ષોની માગણી
હતી કે, આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. ખેડૂતની જેમ જ સરકાર પણ આશા
સેવતી હતી કે, પાછોતરો વરસાદ સારો થશે. નવરાત્રી પર્વ પણ પૂર્ણ થયું તેમ છતાં કુદરતે
રૂસણા છોડયા નહીં. આખરે સરવે કરાયા બાદ સોમવારે આ ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર
કરી દેવાયા છે. જો કે, ખેડૂતો આ જાહેરાતથી ખુશ નથી. આ રાહત તેમની અપેક્ષા મુજબની નથી.
ગુજરાત
સરકારે કરેલી જાહેરાત અનુસાર ખેતર દીઠ રૂા.8500 સહાય ચુકવાશે અને તેમાં પણ વધુમાં વધુ
બે હેક્ટરની મર્યાદા રખાઈ છે. મોંઘવારી તથા ખેતી માટે થતા ખર્ચ સામે આ રકમ મામૂલી છે
તેવું કૃષિકર્મીઓ માને છે. ચાર જ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે પરંતુ વરસાદની
ઘટ અન્ય જિલ્લાઓમાં પણ છે. પાક ત્યાં પણ નિષ્ફળ ગયો છે, પાણીની તંગી છે. તેથી અછત કે
દુષ્કાળ જાહેર કરવાની માગ ત્યાંથી પણ ઉઠી છે. પશુઓ માટે પ્રતિ દિવસ રૂા.80ની સહાય માત્ર
બે મહિના પૂરતી જ નક્કી કરવામાં આવી છે. પશુપાલકો કહે છે કે, ખાણ દાણ અને ઘાસચારાના
વાસ્તવિક ખર્ચ સામે આ રકમ અપૂરતી છે. આ વખતે વરસાદનું ચિત્ર જોતા ખેડૂતોની આ વાત અવગણી
શકાય તેમ નથી.
વિવિધ
રાજકીય પક્ષના અગ્રણીઓ, ખેડૂત આગેવાનો માગ કરે તો તેને રાજકીય કહી શકાય પરંતુ સાધારણ
ખેડૂતને પણ મુશ્કેલી છે. સોમવાર સાંજથી સતત એ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે, જ્યારે અતિવૃષ્ટિ
થાય ત્યારે પ્રતિ હેક્ટર રૂા.22000-23000 સુધીની સહાય ચુકવવામાં આવે છે તો પછી આ દુષ્કાળમાં
રૂા.8500 શા માટે ? રાજ્યભરમાં જ્યાં જ્યાં ઓછો વરસાદ છે ત્યાંથી આ મુદ્દે માગણી ઉઠી
છે. જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ વધારે ગંભીર છે તો અન્ય જિલ્લાઓમાં
કદાચ વરસાદના આંકડા એવા છે જેને લીધે ત્યાં દુષ્કાળ જાહેર થયો નથી પરંતુ હાલત તો ત્યાં
પણ કફોડી છે.
એ કબૂલવું
જોઈએ કે, નર્મદા આધારિત સૌની યોજનાને લીધે પીવાના પાણીની સમસ્યા સૌરાષ્ટ્રમાં અગાઉની
સરખામણીમાં ઘણી ઓછી થઈ ગઈ છે પરંતુ સિંચાઈ માટે પ્રશ્ન સંપૂર્ણ ઉકેલાયો નથી. આ વર્ષે
યુદ્ધના સંજોગોને કારણે પેટ્રોલ-ડીઝલનો ભાવ વધારો છે, મોંઘવારી છે અને તેમાં ખેડૂતો
ઉપર આ સંકટ આવ્યું છે. ગુજરાત સરકારે હંમેશા ખેડૂતોનું હિત જોયું છે તે વાત અસ્થાને
નથી પરંતુ આજના સંજોગ અલગ છે. ભારતના કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને તેલંગણામાં
પણ ઓછા વરસાદને કારણે દુષ્કાળ છે. તેલંગણામાં 51 ટકાથી ઓછો વરસાદ થયો છે. કર્ણાટકમાં
226 તાલુકા અસરગ્રસ્ત જાહેર કરાયા છે, કેન્દ્ર સરકારના એસડીઆરએફ એટલે કે સ્ટેટ ડીઝાસ્ટર
રીસ્પોન્સ ફંડના ધોરણ મુજબ ગુજરાતે સરકારે પણ સહાય જાહેર કરી છે પરંતુ અન્ય રાજ્યોમાં
તે ભંડોળ ઉપરાંત સરકારે પોતે વ્યવસ્થા કરી છે.
મહારાષ્ટ્રના
સંભાજીનગર, લાતુરમાં ખરીફ પાક મોટા ભાગે સુકાયો છે. ભૂગર્ભ જળના તળિયા દેખાઈ ગયા છે.
કર્ણાટકના 20થી વધારે જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા. આંધ્રપ્રદેશ અને તેલંગણાના
અંતરિયાળ વિસ્તારમાં જળાશયો ખાલી છે અને ભૂગર્ભ જળના સ્તર નીચે ઉતર્યા છે. માત્ર એક
પાક નિષ્ફળ જશે એટલું જ નહીં પરંતુ ખેડૂતોએ રવિ પાક માટે પણ આ રાજ્યોમાં આર્થિક વ્યવસ્થા
કરવી પડશે.
ગુજરાતમાં
આખા રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ નથી તેથી સ્વભાવિક રીતે આ પેકેજ મર્યાદીત વિસ્તારમાં
હોય એટલે અન્ય રાજ્યો સાથેની તે સરખામણી કરવાનો પ્રશ્ન નથી પરંતુ ખેડૂતો કહી રહ્યા
છે કે, મહારાષ્ટ્ર સરકારે બિનપિયત પાક માટે રૂા.13600ની સહાય જાહેર કરી છે. પિયત માટે
રૂા.27000 અને બાગાયતી પાક માટે રૂા.36000 પ્રતિ હેક્ટરની જાહેરાત કરી છે. કર્ણાટક
સરકારે બિનપિયત પાક માટે રૂા.8500 ઉપરાંત વચગાળાની રોકડ રાહત, પિયત માટે હેક્ટર દીઠ
રૂા.17000 અને બાગાયતી-બારમાસી પાક માટે રૂા.22500ની જાહેરાત કરી છે. એ વાત સાચી છે
કે, દરેક રાજ્યની ભૌગોલિક સ્થિતિ, દુષ્કાળની સ્થિતિ અલગ અલગ હોય એટલે સરકાર ઈરાદાપૂર્વક
સહાય ઓછી કરે છે તેવું કોઈ કહેતું હોય તો તે મોટી ગેરસમજ છે, ભલે અન્ય રાજ્યોની સરખામણીએ
નહીં પણ ગુજરાતમાં જે હાલત છે તેનો જરૂર પડયે વધારે અભ્યાસ કરીને, ખેડૂત સંગઠનો સાથે
પરામર્શ કરીને જો પુન: વિચાર થાય તો ખેડૂતો નુક્સાનથી બચી શકે. ગુજરાત સરકારે વિજળી,
પાણી, બિયારણ સહિતના સંદર્ભે કૃષિલક્ષી પગલા સતત લીધા છે ત્યારે ખેડૂતો જે સમયે મુશ્કેલીમાં
છે ત્યારે પણ કૃષિલક્ષી વલણનું સાતત્ય જળવાય તે બહુજન હિતાય, બહુજન સુખાય નિર્ણય રહેશે.