• શુક્રવાર, 23 ઑક્ટોબર, 2026

જીતવાનો તો વિશ્વાસ છે

શનિવારે જંતર મંતરે આંદોલન સમાપ્ત થયું, હવે ત્યાં ધરણા નહીં થઈ શકે તેવો આદેશ પણ થઈ ગયો. દિલ્હી અભેદ્ય કિલ્લામાં ફેરવાયું હતું, હિંસા ન થઈ તે સારી વાત છે. આંદોલનકર્તામાંથી કોઈ પહોંચી શક્યું, કોઈ નહીં. પ્રોટેસ્ટને પ્રતિસાદ મળ્યાનો સંતોષ વિપક્ષોએ લીધો. સોમવારે તો ઈન્ડિયા મોરચાએ કોંગ્રેસના નેતૃત્વમાં સર્વોચ્ચ અદાલત સુધી કૂચ કરી. પહેલાં ચૂંટણીપંચના કાર્યાલયે અને પછી સર્વોચ્ચ અદાલત સુધી મોટા સમુદાયને લઈ જવામાં રાહુલ ગાંધી અને વિપક્ષો સફળ રહ્યા. જુવાન પેઢી પણ ત્યાં પહોંચી. ઉગ્ર સૂત્રોચ્ચાર થયા. સામે બંદોબસ્ત પણ જબ્બર હતો પરંતુ આ આખી પ્રક્રિયાનો હજી કોઈ નિષ્કર્ષ નથી.

આ લડાઈ ટૂંકી અવધિની છે પણ નહીં. છતાં અહીં હવે મહત્વની વાત એ છે કે બન્ને પક્ષે પડકાર તો વિશ્વાસ જીતવાનો છે. પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળોએ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને રસ્તા ઉપરથી હટાવ્યા. કહે છે કે 7000ની અટકાયત થઈ. એવું દેશના અન્ય ભાગોમાં પણ થયું. જુલાઈ માસમાં આંદોલન જે રીતે ઉગ્ર બન્યું હતું તે જોતાં આ વખતે સખત જાપ્તો રખાયો. તોફાન ન થયાં તે પોલીસની સફળતા ગણી શકાય. આંદોલન નિયંત્રણમાં આવી ગયું પરંતુ મુદ્દો તો ત્યાં જ છે. સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન- એસઆઈઆરના સંચાલનમાં ચૂંટણી કમિશનરની ભૂમિકા માટે ઉઠેલા સંશયોનો ઉકેલ આવ્યો નથી. પારદર્શક પ્રક્રિયા અને પરિણામની પ્રતિક્ષા છે.

કેન્દ્ર સરકારની આમ જુઓ તો કોઈ સીધી ભૂમિકા અહીં નથી તેમ છતાં દેખાવકારોના સૂત્રો પછી આખા વિશ્વમાં છાપ એવી ઊભી થઈ કે આ ઘર્ષણ વિદ્યાર્થીઓ અને એનડીએની કેન્દ્ર સરકાર વચ્ચેનું છે. વાસ્તવમાં વિરોધ છે ચૂંટણી કમિશનરનો. સરકારની ભૂમિકા વિશે તો ફક્ત શંકા એક વર્ગને છે. અહીં જ્ઞાનેશકુમારે પણ પ્રજાનો વિશ્વાસ જીતવાનો છે કે તેમના પક્ષે કશું ખોટું નથી. આંદોલન કે પ્રદર્શન કરનાર સામે ભાજપના પ્રવક્તાઓએ બોલવાનું નહોતું કારણ કે લડાઈ સ્વાયત્ત વ્યવસ્થાતંત્રની સામે છે. હવે આંદોલન સમાપ્ત થયું એટલે આ પ્રકરણ સમાપ્ત નથી થયું. 13 કરોડ મતદારના નામ અંગે જેટલા આક્ષેપ છે તે ખોટા સાબિત થાય ત્યારે પંચ પક્ષે પ્રકરણ પૂર્ણ થશે.

સામે રાહુલ ગાંધી કે અન્ય વિપક્ષ કે નવી કોંક્રોચ પાર્ટીએ કૂચ કરી લીધી અને આક્ષેપો કરી લીધા, ચાલુ બસે બારીમાંથી માથાં બહાર કાઢીને સૂત્રો પોકાર્યા તેટલું જ પર્યાપ્ત નથી. તેમણે પોતાની લડાઈને ખરી સાબિત કરવી પડશે, નિષ્કર્ષ સુધી લડવું પડશે. યાદ એ રાખવાનું છે કે આ કૂચ કે પ્રદર્શન-ધરણા તે ચૂંટણીના વિજય સરઘસ નહોતા. સંઘર્ષ લાંબો છે અને સૌએ એ યાદ રાખવાનું છે કે આ ચૂંટણી જીતવા જેવું સહેલું કામ નથી, અહીં તો વિશ્વાસ જીતવાનો છે- એ પ્રજાનો જે ચૂંટણી જીતાડે અને હરાવે છે.

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક