• સોમવાર, 31 ઑગસ્ટ, 2026

કૃષિ સામે વધી રહ્યા છે પડકારો

નેપાળના દૃશ્યો કંપાવી રહ્યાં છે. પર્વતો ભેદીને મોત ધસમસી રહ્યું છે. સ્વાભાવિક રીતે અહીં ચર્ચા ગ્લોબલ વોર્મિંગની જ થાય. જે દુર્ઘટના આજે ઘટી છે કે કેદારનાથ વિસ્તારમાં અને આવા ક્ષેત્રોમાં અગાઉ થઈ તેની સરખામણીનો તો પ્રશ્ન જ નથી પરંતુ કેન્દ્રસ્થ મુદ્દો છે બદલાતું ઋતુચક્ર. હિમશિખરો પીગળવાના બનાવ મહાસંકટ છે. તરત દેખાય છે પરંતુ જેનો અનુભવ થાય છે પરંતુ દૃશ્યમાન નથી તે છે આ ક્લાઈમેટ ચેન્જ અને તેની અસર કૃષિક્ષેત્ર ઉપર પડી રહી છે. આ વર્ષે ચોમાસું સંતોષકારક નથી. ખાંડ કે ડુંગળીના વધેલા અને સરકારે નિયંત્રણમાં લીધેલા ભાવના કારણ આંતરરાષ્ટ્રીય પ્રવાહો-બજારો હશે તે ઉપરાંત કુદરતી કારણોની અવગણના પણ થઈ શકે તેમ નથી.

ચોમાસાની પદ્ધતિ બદલાઈ છે, વૈશ્વિક કેલેન્ડર મુજબ જૂનની મધ્યમાં એટલે કે જેઠ-અષાઢમાં વરસાદની શરૂઆત થાય અને તે સપ્ટેમ્બર એટલે કે ભાદરવા સુધી ચાલે પરંતુ હવે કાં તો વરસાદ બહુ ખેંચાય છે કે પછી થોડા દિવસોમાં આખી ઋતુનો વરસાદ પડી જાય છે. વાવણી-વરસાદ માટેના પરંપરાગત નક્ષત્રો- અંદાજ ખોટા પડી રહ્યા છે. ભીમ અગિયારસ અને અષાઢી બીજ જેવા દિવસોએ શુકન સચવાતાં નથી. વરસાદમાં વિલંબ થાય તો બિયારણ બળી જાય. 30 દિવસમાં પડવો જોઈએ તે વરસાદ 3 દિવસમાં પડી જતો હોય છે. જૂન-જુલાઈમાં વરસાદ પડે નહીં અને ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અતિવૃષ્ટિ થાય. કૃષિક્ષેત્ર અને ખેડૂતોની અનિશ્ચિતતા વધી રહી છે.

એક ઋતુમાં પાક નિષ્ફળ જાય એટલે ખેડૂતની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ જાય છે અલબત્ત, હવે સરકારી ધીરાણ, ખેડૂતોને પાક માટે મળતો વીમો સહિતની સુવિધાઓ પણ છે તેનો ઇનકાર થઈ શકે નહીં. છતાં ખેતી નબળી પડે તો ગ્રામીણ ખરીદશક્તિમાં ઘટાડો આખરે તો અર્થતંત્રના ચક્રની ગતિ ધીમી કરે જ. આ વર્ષે ગુજરાતમાં આમ તો દેશના ઘણા હિસ્સામાં આ સ્થિતિ છે. જુલાઈ પછી વરસાદ ઓછો છે. જળાશયોમાં પર્યાપ્ત જથ્થો નથી. કૃષિક્ષેત્રની આ સમસ્યા ફક્ત આ વર્ષ પૂરતી નથી. હવે તેનો કાયમી ઉકેલ શોધવો જરૂરી છે. સરકાર રાહત પેકેજ, વીમા યોજના કે બિયારણ-ખાતરની ઉપલબ્ધિ માટે પગલાં લે તેની સાથે વિજ્ઞાન આધારિત ઉપાયોની જરૂર પણ છે.

અનાવૃષ્ટિ સમયે દુષ્કાળ જાહેર કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવા ઉપરાંત કોલ્ડસ્ટોરેજ સહિતની સંગ્રહ વ્યવસ્થામાં વધારો થવો જોઈએ. પાક લણાઈ ગયા પછી યોગ્ય સંગ્રહની વ્યવસ્થા ન હોવાથી 15-20 ટકા અનાજ કે શાકભાજી બગડી જાય છે. હવે ડ્રોન ટેક્નોલોજી, સેન્સર્સ દ્વારા ખેડૂતને જમીનની ભેજ ક્ષમતા, રોગચાળાની માહિતી આગોતરી આપી શકાય છે. ડાંગર, કપાસ જેવા વધારે પાણી માગતા પાકને બદલે જુવાર, રાગી, બાજરીની ખેતીને પ્રાધાન્ય અપાવું જોઈએ. કઠોર હવામાનમાં તે ટકી શકે અને સ્વાસ્થ્ય માટે પણ સારા છે. ખેડૂતો આત્મહત્યા જેવા પગલાં ન ભરે તે માટે પીએમ કિસાન જેવી યોજનાઓની રકમ આફતના વર્ષોમાં વધી જાય તો સધિયારો રહે. આખરે કુદરત તો કુદરત છે પરંતુ માનવીય ઉપાયો પણ જરૂરી છે. આ વર્ષે વરસાદની જે સ્થિતિ છે તે અગાઉ પણ થઈ છે અને તેનું પ્રમાણ વધશે કે નહીં તે કહી શકાય નહીં. ઋતુચક્ર પરિવર્તનના વિવિધ ઉપાયો, વૈશ્વિક ચિંતાની સાથે સ્થાનિક પગલાં પણ જરૂરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક