• બુધવાર, 15 જુલાઈ, 2026

અધિકારીઓને દંડ કેમ નહીં ?

ર્વોચ્ચ અદાલતે વિવિધ પ્રશાસનને એક વેધક સવાલ કર્યો છે કે ક્યાંય પણ દુર્ઘટના બને તો બિલ્ડર્સ સામે તમે પગલાં લો છો પરંતુ જવાબદાર અધિકારીઓઁ દર વખતે કેમ છટકી જાય છે? પ્રશ્ન અનેક સંદર્ભે અગત્યનો છે. કોર્ટે બરાબર મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે કોઈ પણ તંત્રની બેદરકારી હોય, કોઈ કૌભાંડ હોય કે કોઈ પણ પ્રકરણ હોય, કાં તો નાના કર્મચારીને સજા થાય કે પછી વેપારી, બિલ્ડર્સ, કોઈ વ્યવસાયી ઉપર કાયદાનો કોરડો વિંઝાય પરંતુ કાયદાનો અમલ કરાવવાની જેમની જવાબદારી છે તે અધિકારીઓ સામે પગલાં લેવાતા હોવાનો દાખલો બેસતો નથી અને જો એવું થાય તો પણ તે ટૂંકા ગાળા માટેના સસ્પેન્શનથી વધારે કંઈ હોતું નથી.

દેશ-રાજ્યમાં ક્યાંય પણ, ક્યારેય કોઈ  ઈમારત તૂટે, આગ લાગે કે એવું કંઈ પણ થાય એટલે પ્રશાસન તરત પગલાં ભરે, આર્કિટેક્ટનું લાયસન્સ રદ થાય, મકાન સીલ થાય એવા પગલાં ભરાય. કોઈ ગેમઝોન કે હોટલ-રીસોર્ટ જેવી જગ્યા હોય તો તેના માલિકની ધરપકડ થાય.કાનૂની રીતે જે કંઈ જરૂરી હોય તે કરવું જોઈએ તેમાં ચાલે. બિલ્ડર હોય કે હોટલ માલિક કે કોચિંગ ક્લાસના માલિક તેમની સામે આકરાં પગલાં ભરાવા જોઈએ. પરંતુ જે કાયદાનો તેમણે ભંગ કર્યો છે તેનો અમલ કરાવવાની જવાબદારી જે અધિકારીની હતી તેમની સામે શું? સવાલ અગત્યનો છે.

લખનૌમાં હમણા અગ્નિ દુર્ઘટના થઈ એવું સુરતમાં થયું હતું. અમદાવાદમાં હોસ્પિટલ સળગી હતી, વડોદરામાં બોટિંગના સ્થળે અકસ્માત થયો અને એવું ઘણુ થયું છે. પ્રશાસને પગલાં લીધા છે પરંતુ જેનેલાયસન્સીંગ ઓથોરિટી કહેવાય છે. આવી બધી બાબતો માટે જે મંજુરી આપે, ‘ના વાંધા પ્રમાણપત્ર આપે તે અધિકારીનું શું? જો કોઈ બિલ્ડર, કોઈ ઉપભોક્તા નિયમભંગ કરે તો તેની સામે પગલાં લેવાય પરંતુ સંબંધિત અધિકારીને સજા નહીં, કોર્ટે પૂછ્યું આંખ આડા કાન કરનાર અધિકારીને કેમ કંઈ નહીં?

બાબત ખાસ તો વિવિધ વિસ્તારના ડિમોલીશન વખતે અગત્યની છે. કોઈ વિસ્તારમાં અનધિકૃત બાંધકામ કે વસાહત તોડવા તંત્ર જેસીબી સહિતના શત્ર-સરંજામ સાથે પહોંચી જાય છે. મકાનો, દુકાન તોડી પાડે છે. સરકારી જમીન ઉપર અતિક્રમણ હોય તો તે દુર થવું જરૂરી છે. પરંતુ સેંકડો મકાન બની જાય ત્યાં સુધી કેમ ધ્યાન જાય? સરકારી જમીન ઉપર સોસાયટી બને, વ્યાપારી સંકુલ બને ત્યાં સુધી કોઈનું ધ્યાન નહીં જતું હોય? અનધિકૃત બાંધકામ કરનારને માફ ભલે કરાય પરંતુ તે થવા દેનાર સામે પગલાં નહીં. મહાનગરપાલિકા વિસ્તારમાં તો આવું સતત ચાલે છે, રોકવાની જેમની ફરજ છે તે અધિકારી સામે પગલાં લેવાય. સર્વોચ્ચ અદાલતે લાલ આંખ કરીને કહ્યું છે કે અનધિકૃત બાંધકામ તથા સુરક્ષા નિયમોની અવગણના અધિકારીઓની સાંઠગાંઠ વગર શક્ય નથી.

ઇ-પેપરના નવા શુલ્ક