ચાર મહિનાથી અમેરિકા અને ઈરાન બે દેશના નામ જગતની જીભે રમી રહ્યાં છે અને કારણ છે બન્ને વચ્ચે આરપારની લડાઈ. ઈઝરાયલના ખભે મિસાઈલ રાખીને ઈરાન ઉપર અમેરિકા ત્રાટક્યું હતું, સામે ઈરાને પણ સંધિ પછી ઈઝરાયલ ઉપર હુમલા ચાલુ રાખ્યા તે પણ હવે તો દુનિયા જાણી ચૂકી. ડબલ એન્જિન તાકાત પછી પણ ઈરાન તૂટયું નહીં, હા તેની રણનીતિઓમાં થોડાં પરિવર્તન થયાં. હવે એક તરફ અમેરિકાના 250મા સ્વતંત્રતા દિવસની ઉજવણી ચાલી રહી છે ત્યારે બીજી બાજુ ઈરાનના વડાવ્યક્તિ આયાતુલા ખામેનીના અંતિમ સંસ્કારનો કરુણ સમારોહ ચાલી રહ્યો છે અને તે ઘડીએ પણ બન્ને દેશ શબ્દયુદ્ધ કરી રહ્યા છે.
ખામેનીની
અંતિમ વિધિ હજી હવે શરુ થઈ અને સો દેશોના પ્રતિનિધિઓ તેમાં જોડાયા હોવાના સમાચારો છે.
સેંકડો લોકો તેમની આ વિદાયવેળાએ એકઠા થયા છે. ઈરાનના ઉચ્ચ સ્તરીય નેતાઓ, ખામેના ઉત્તરાધિકારી
મોજતબા ખામેની સિવાય અન્ય પુત્રો-પરિવાર સ્વાભાવિક રીતે ત્યાં ઉપસ્થિત છે. ડોનાલ્ડ
ટ્રમ્પે એવું કહ્યું કે અમે ધાર્યું હોત તો અત્યારે જ હુમલો કરીને ઈરાનની નેતાગીરીને
મૂળમાંથી ઉખેડી ફેંકી હોત. ઈરાને સામે કહ્યું કે માણસ મરી શકે, વિચાર નહીં અને તમે
ખામેનીના વિચારને તો ફેલાવી દીધો. વાસ્તવમાં આ ટાણું આવા નિવેદનો-પ્રતિનિવેદનોનું છે
કે નહીં તેટલી સમજ તો કોઈ પણ નેતા પાસે અપેક્ષિત છે. અમેરિકા તેની સ્વતંત્રતાના
250 વર્ષ ઉજવી રહ્યું છે. 4 જુલાઈએ ત્યાં ભવ્ય જલસો થયો સામે તેનો શત્રુ દેશ માતમ મનાવી
રહ્યો છે.
યુદ્ધની
શરુઆતે જ ખામેનીનો ખાત્મો થયો હતો અને શિયા મુસ્લિમ સમાજ સ્તબ્ધ થઈ ગયો હતો, આ અંતિમ
વિધિમાં પણ તેના પડઘા છે. અમેરિકા અને ઈઝરાયલની વિરુદ્ધ નારા લાગી રહ્યા છે. પાંચ શહેરમાંથી
ખામેનીની અંતિમયાત્રા પસાર થશે અને 9 જુલાઈએ મશહદમાં તેમને દફનાવાશે. તેહરાન સુરક્ષાની
છાવણી બન્યું છે. અમેરિકા દાવો કરે છે કે તેણે વાટાઘાટ-વાત સ્થગિત કરીને ઈરાનને એક
સપ્તાહનો સમય આપ્યો. આ બધી વાતો વચ્ચે ભારત અને અન્ય દેશોની ચિંતા તો એ જ છે કે જે
શાંતિ સ્થપાઈ છે તે યથાવત્ રહે, ફરી યુદ્ધ શરુ ન થાય. બન્ને એકમેક સામે ઘુરકિયાં તો
કરે જ છે અને ઈઝરાયલ ઉપર હુમલા પણ ચાલુ રહ્યા હતા. ઈરાને સ્પષ્ટ વલણ રાખ્યું છે કે
હવે કોઈ ચાળો થશે તો તેનો પ્રતિકાર પણ પ્રબળ થશે. અમેરિકા કે અન્ય કોઈ મહાસત્તા પાસે
કોઈ પણ હથિયાર હોય, ઈરાન પાસે હોર્મુઝ સ્ટ્રેટનું હથિયાર છે. જો ત્યાં ફરી પહેરો લગાવી
દેવામાં આવે તો ઈંધણની તંગી અનેક દેશમાં ફરી ઊભી થાય.
એક
તરફ ખામેનીનું તાબુત જોઈ હજારો લોકો રડી રહ્યા છે, બીજી બાજુ અમેરિકાએ આતશબાજી કરી.
તે તો બરાબર છે બન્ને દેશ પોતાની નિયતીને અનુસરે છે, ક્યાંક મોત, ક્યાંક માતમ પરંતુ
આ સમયે પણ બન્નેનો દ્વેષ એમનો એમ જ છે.