કેટલાંક છમકલાં હજી થઈ રહ્યાં છે પરંતુ અઢી મહિના ચાલેલું અમેરિકા-ઈરાન યુદ્ધ આખરે હાલ પૂરતું સ્થગિત થયું છે. હોર્મુઝ દરિયાઈ વિસ્તાર ખુલ્યો અને ઈંધણ લઈને દેશ-દેશાવર જતા જહાજોની ગતિ અને સંખ્યા વધ્યાં છે. યુદ્ધ પૂર્ણ થયેલું ઘોષિત થતાં દુનિયાના અન્ય દેશોએ પણ રાહત અનુભવી છે જો કે જેની આશા છે તે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થવાના સારા દિવસો હજી દૂર છે. આ કોઈ સૂત્રો આધારિત અહેવાલ નથી પરંતુ ભારતની કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે કરેલી જાહેરાત છે. સરકાર પાસે અલબત્ત, આવું કહેવા માટે કારણ છે અને તે સાવ પાયાવિહોણુ નથી પરંતુ પ્રજાને તો થયેલું હાશ અને મનમાં જાગેલી આશ અધૂરાં છે.
કેન્દ્રના
પેટ્રોલિયમ મંત્રી હરદીપાસિંહ પુરીએ સ્પષ્ટ કહ્યું કે પેટ્રોલ-ડીઝલનો જથ્થો આપણને હવે
પૂરતી માત્રામાં પ્રાપ્ત છે પરંતુ તેની કિંમત અત્યારે છે તેના કરતાં તાત્કાલિક ઓછી
નહીં થાય. મે માસ પૂર્વેના ભાવ થવામાં થોડો સમય લાગશે. યુદ્ધની અત્યંત વિષમ સ્થિતિમાં
પણ ઈંધણની અછત સર્જાઈ નહોતી. જો કે કેન્દ્ર સરકારે ક્રુડના ભાવ જ્યારે જ્યારે ઓછા થયા
ત્યારે પણ ઈંધણના ભાવ ઘટાડયા નહોતા. યુદ્ધ શરૂ થયા પછીના દોઢ માસ સુધી કિંમત વધી પણ
નહોતી સરકારી પેટ્રોલિયમ કંપનીઓની દૈનિક ખોટ રૂ. 1600 કરોડ હતી. યુદ્ધ સમાપ્ત થઈ જાય
તેવી આશા સાચી ન પડી આખરે ભારતમાં પેટ્રોલ, ડીઝલ, ગેસના ભાવમાં વધારો થયો.
આ સ્થિતિની
અસર મોંઘવારી ઉપર પડી. અન્ય ચીજ વસ્તુના ભાવ પણ વધ્યા હતા. ગયા અઠવાડિયે સંધિ થઈ, અલબત્ત,
ઈઝરાયલ ઉપર હુમલા ચાલુ રહ્યા, થોડું ઘર્ષણ થયું પરંતુ યુદ્ધ અત્યારે નથી. લોકોને આશા
હતી કે પેટ્રોલનો પુરવઠો પર્યાપ્ત છે તો હવે કિંમત ઘટશે. મંત્રીએ કહ્યું એમ તાત્કાલિક
નહીં ઘટે, ક્રુડના ભાવ હજી બે-ત્રણ માસ સ્થિર રહે, વધે નહીં પછી પણે ભાવ ઘટાડવાનો નિર્ણય
લઈ શકીએ. સરકારનો દૃષ્ટિકોણ એ છે અત્યારે જે ગેસ કે ઈંધણ છે તે બે-ત્રણ માસ પૂર્વે
વધેલા ભાવે ખરીદેલું છે તેથી તેના ભાવ જો ઘટે તો કંપનીઓની ખોટ ઘટે. ઉચ્ચ આંતરરાષ્ટ્રીય
કિંમતો વચ્ચે સરકારી કંપનીઓએ નુકસાન સહન કર્યું હતું. હવે ઘટેલા ભાવની સ્થિતિમાં કંપનીઓ
પોતાની તે ખોટ સરભર કરી રહી છે.
પેટ્રોલ-ડીઝલ
ઉપરનો ટેક્સ તાત્કાલિક ઘટાડવાનું પણ સરકાર માટે શક્ય નથી. આ તમામ પાસાં જોતાં અત્યારે
ઈંધણ સસ્તું નહીં થાય. સરકારે ‘તેલની ધાર’ જોવાની નીતિ અપનાવી છે. આંતરરાષ્ટ્રીય સ્થિતિ
એવી છે કે આવું કરવું પડે પરંતુ પ્રજાને તો એમ હતું કે ક્રુડના એક બેરલના 109 ડોલર
થયા અને ભાવ વધ્યા હતા એમ હવે હોર્મુઝ ખૂલ્યું, ક્રુડ ફરી સસ્તું થયું તો ભાવ ઘટી પણ
જશે. નહીં ઘટે તેવું સરકારે નથી કહ્યું, અત્યારે ઘટયા નથી ભારતના નાગરિકોની આશા જલદી
ફળે તે આવશ્યક છે.