ભારત-જાપાન વચ્ચે હાલમાં જ વિવિધ ક્ષેત્રોને સાંકળતા થયેલા કરારો ભાવિ જરૂરિયાતો માટે મહત્ત્વના છે, તો બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં ઉષ્મા અને સહકારની ભાવના તથા સંયુક્ત સંરક્ષણ સહ-વિકાસ પ્રોજેક્ટ માટે થયેલી સમજૂતી આ મિત્રતાને એક નવા સ્તર પર લઈ જાય છે. ખાસ તો જાપાનનાં વડા પ્રધાન સનાએ તાકાઈચીની ભારત મુલાકાતનું ટાઈમિંગ વૈશ્વિક સમીકરણો અને સંબંધોમાં આવી રહેલા તાનપલટાને કારણે.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાકાઈચીને નાનાં બહેન ગણાવ્યાં અને સામે તેમણે પણ આવી જ ઉષ્મા દાખવી એની નોંધ પણ સમગ્ર વિશ્વએ લીધી છે. ચીન પ્રત્યે અમેરિકાના અભિગમમાં સતત વધી રહેલી અનિશ્ચિતતા વચ્ચે આ મુલાકાતનું આગવું મહત્ત્વ ધરાવે છે.
સનાએ
તાકાઈચીની ત્રણ દિવસીય ભારત મુલાકાત નરેન્દ્ર મોદી ગયા વર્ષે અૉગસ્ટમાં ટૉકિયો વિઝિટ
પર ગયા એ પછી આવી છે, બન્ને દેશો વચ્ચે વિવિધ ક્ષેત્રોમાં સહકાર સતત વધી રહ્યો છે.
બન્ને દેશોએ આર્થિક સુરક્ષાનો રોડમૅપ તૈયાર કર્યો છે, જે હાલના બદલાતાં વૈશ્વિક સમીકરણો
વચ્ચે અત્યંત આવશ્યક છે. કોરોના તથા પશ્ચિમ એશિયા સંકટ તથા એ પહેલાં રશિયા-યુક્રેન
યુદ્ધને કારણે વૈશ્વિક પુરવઠા શૃંખલામાંની નબળાઈઓ વધુ સ્પષ્ટપણે સામે આવી છે.તો, ચીન
રેર અર્થ મટીરિયલનો વિપુલ ખજાનો ધરાવતો હોવાથી દાદાગીરી કરી રહ્યું છે. ભારત અને જાપાન
બન્ને સામેના પડકારો એકસમાન છે, આથી એઆઇ, સેમિકન્ડક્ટર તથા બાયોગૅસ અને ક્રિટિકલ ટેક્નૉલૉજી
જેવાં ક્ષેત્રોમાં થયેલા સહકાર બાબતે સમજૂતી મહત્ત્વની છે. નવી દિલ્હી-ટૉકિયો વચ્ચે
સંરક્ષણ ક્ષેત્રે પણ સહકાર સધાઈ રહ્યો છે, જે અંતર્ગત બન્ને દેશો સાથે મળીને નેવલ રેડિયો
ઍન્ટિના યુનિકૉર્ન વિકસાવવાના છે. ઈન્ડો-પૅસિફિક ક્ષેત્રમાં સ્થિરતા માટે બન્ને દેશો
વચ્ચે સંરક્ષણ સહયોગ મહત્ત્વનો છે.બન્ને દેશો ક્વાડના પણ સભ્યો છે અને આ મંચની ચિંતાઓમાં
ચીનની વધતી આક્રમકતા મુખ્ય મુદ્દો છે. અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકેના પોતાના પહેલા
કાર્યકાળમાં ડોનાલ્ડ ટ્રમ્પે બાજિંગ તરફ આક્રમક નીતિ અખત્યાર કરી હતી અને ચીનના ઉદય
પર નિયંત્રણ મૂકવા એશિયા-પૅસિફિક ક્ષેત્રનાં અન્ય રાષ્ટ્રો સાથે સહકાર સાધવાનો અભિગમ
રાખ્યો હતો. જોકે, બીજા કાર્યકાળમાં બાજિંગ બાબતે ટ્રમ્પની પ્રાથમિકતાઓ બદલાઈ રહી હોવાનું
જણાય છે.ભારતને ચીન સાથે સીમા વિવાદ છે, તો સમુદ્ર અને જમીન બન્ને જગ્યાએ જાપાનને બાજિંગ
સાથે સંઘર્ષ છે.
ભારત-જાપાન
વચ્ચે લાંબા સમયથી આર્થિક સહયોગ છે અને છેલ્લા એકાદ વર્ષમાં 120 વ્યાપાર સમજૂતીઓ થઈ
છે અને 10 અબજ ડૉલરનું જાપાની રોકાણ ભારત આવવાનું છે. ભારતને મિલિટરી તથા ટેક્નૉલૉજિકલ
મૉડર્નાઈઝેશનનો વેગ વધારવા સાથે ક્ષેત્રીય વ્યૂહાત્મક ભાગીદારી વિકસાવવા પર ભાર આપવાની
જરૂર છે અને જાપાન સાથે ભાગીદારી આ બન્ને ઉદ્દેશોની પૂર્તિમાં મદદરૂપ થઈ શકે છે.