બદલાતા
દૌરની અનિવાર્યતા બની રહેલા ઈલેક્ટ્રોનિક વેહીકલ -ઈવીના ઉપયોગ માટેની પ્રોત્સાહક નીતિનો
દિલ્હીની રાજ્ય સરકારે જુલાઈ માસની પહેલી તારીખથી અમલ કરી દીધો છે. જે જોગવાઈ સરકારે
કરી છે તે મૂળ સ્વરુપે, પૂર્ણ રીતે ફળીભૂત થાય તો આ નવા પરિમાણ અને તેના ઉદ્યોગ બન્નેને
ઘણો લાભ થવાની સંભાવના છે. દિલ્હી સરકારે આ પ્રકારના વાહનને પ્રાધાન્ય આપ્યું છે તે
દેશભરમાં ઉલ્લેખનીય પહેલ બની ચૂકી છે. માત્ર ભારત નહીં, આખી દુનિયામાં ઈંધણની જરૂર
વધી રહી છે, વાહન વધી રહ્યા છે. ઊર્જાના બિનપરંપરાગત ત્રોતોનો વિકલ્પ નથી.
બેટરી
સંચાલિત વાહનો તરફ ભારતવાસીઓનો ઝુકાવ કે પસંદગી હજી પૂરતાં નથી. આપણા દેશમાં જે રીતે
ઈંધણની માગ અને વાહનની સંખ્યા વધી રહી છે તે જોતાં યુદ્ધ ન હોય તે સ્થિતિમાં પણ પેટ્રોલ-ડીઝલ
કે સીએનજી જેવા ત્રોતો મોંઘા રહી શકે. ઈવી ઓટોમોબાઈલ ક્ષેત્રનું આધુનિક બળુકું માધ્યમ
છે. દેશની મોટી-માતબર ઓટો કંપનીઓ હવે ઈવીનું નિર્માણ કરે છે. પેટ્રોલ, ડીઝલ, ગેસની
સાથે મોટરકારમાં પણ આ પ્રકાર ઉમેરાયો છે. પરંપરાગત વાહનોની સરખામણીમાં હજી આ પ્રમાણ
ઓછું છે. જાગૃતિ ઓછી છે તેવું આકલન સંપૂર્ણ સાચું નથી, હજી લોકોને આ નવી ટેક્નોલોજી
ઉપર વિશ્વાસ નથી, વાહનો ચાર્જ કરવા માટેની માળખાકીય સુવિધા નથી.
દિલ્હી
સરકારે નક્કી કર્યું છે કે ચાર વર્ષમાં 7000 કરોડ રૂપિયાનો ખર્ચ ઈવીને પ્રોત્સાહન આપવા
પાછળ તે કરશે. આ પ્રકારના વાહનો ખરીદનારને સબસિડી આપવા માટે 1500 કરોડ અને જૂના વાહનો
ક્રેપિંગ ઉપર 1500 કરોડની ફાળવણી થશે. ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રચર વિકસાવવા માટે 1000
કરોડનો ખર્ચ થશે. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ યોજનાને દિલ્હીને પ્રદૂષણ રહિત કરવાના
મક્કમ પગલાં રુપ ગણાવી છે. પ્રદૂષણ દિલ્હીની જૂની સમસ્યા છે. માર્ગ ઉપરનો ધુમાડો શિયાળામાં
તો ઘર સુધી પહોંચે છે. લોકો ગુંગળામણ અનુભવે છે. અગાઉ તો સરકારે ઓડ-ઈવન કાર નંબરનો
નિયમ અમલી બનાવ્યો હતો એટલે કે એકી નંબરના વાહનો જે દિવસે રસ્તા ઉપર આવે તે દિવસે બેકી
નંબરના વાહનો નહીં. છતાં સમસ્યાનો હલ
આવ્યો
નહોતો.
વાહનોની
સંખ્યા નહીં, પ્રકાર બદલાવવો જ જરૂરી છે, જે હવે થઈ રહ્યું છે. દિલ્હી રાજ્ય સરકારે
આ પગલું લીધું છે. સમસ્યા તો દેશવ્યાપી છે. અન્ય સરકારો પણ આ પગલે ચાલે તો પ્રદૂષણ
નિયંત્રણમાં સગવડ રહે અને ઈંધણનો ઉપયોગ પણ ઘટી શકે. દિલ્હીમાં ઈ.વી.ની ગતિ વધી છે.
અન્ય રાજ્યોમાં પણ વધે તે આવશ્યક છે, સાથે જ માળખું વિકસે તે તો અનિવાર્ય છે.