• રવિવાર, 01 માર્ચ, 2026

આઈડીએફસીનો ગોટાળો બેંકિંગ ક્ષેત્ર સામે પડકારરૂપ

ભારતમાં આર્થિક વિકાસની સાથે બેંકિંગ ક્ષેત્રમાં પણ સતત વિકાસ થઈ રહ્યો છે. આર્થિક વહેવારો માટે ચાવીરૂપ બેંકો છેતરપિંડી અને ગોટાળાની સામે વામણી સાબિત થઈ રહી હોવાના કિસ્સા સતત સામે આવતા રહ્યા છે. હવે ચંડીગઢની એક બેંકની શાખામાં પ90 કરોડ રૂપિયાના ગોટાળો દેશની બેંકિંગ વ્યવસ્થા સામે ફરી એક વખત જવાબદારી અને દેખરેખના અભાવની નબળાઈ સામે આણી છે.  ભારતના અર્થતંત્રને ભૂતકાળમાં જે આર્થિક કૌભાંડોએ ધ્રુજાવ્યું છે, તેમાં બેંકિંગ ક્ષેત્રની ઉણપ પાયામાં હોવાનું સામે આવી ચૂક્યું છે, પણ ભૂતકાળના આવા કડવા અને ચિંતાજનક અનુભવમાંથી બોધપાઠ લેવાયો ન હોવાની હકીકત આ તાજા ગોટાળાએ સામે આણી છે. 

બન્યું એવું છે કે, આઈડીએફસી ફર્સ્ટ બેંકની ચંડીગઢ શાખામાં અમુક કર્મચારીઓને હરિયાણા સરકારની સાથે જોડાયેલા ખાતામાં મંજૂરી વગર લેવડ-દેવડ કરી જેમાં પ90 કરોડની હેરફેર થઈ હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. પ્રથમ નજરે આ ગોટાળો એક બેંકની એક શાખા પૂરતો મર્યાદિત હોવાનો બચાવ કરાઈ રહ્યો છે, પણ વાસ્તવિક્તા એ છે કે, દેશના બેંકિંગ ક્ષેત્રની સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. રાજ્ય સરકારને સ્પર્શતા આ ગોટાળામાં હરિયાણાના મુખ્યમંત્રીએ તમામ રકમ બેંક પાસેથી વ્યાજ સહિત પરત લેવાની જાહેરાત કરીને તેની વિવિધ સ્તરે તપાસના આદેશ પણ આપ્યા છે. તેમની આ જાહેરાત આવકારદાયક છે, પણ સવાલ એ છે કે, બેંકિંગ ક્ષેત્ર આ ગોટાળાના પુનરાવર્તનને રોકવા માટે હવે શું કરશે ? ખરેખર તો બેંકોમાં આંતરિક દેખરેખ વ્યવસ્થાને વધુ ને વધુ ટેક્નોલોજી આધારિત કરવાની તાતી જરૂરત છે.  સાથોસાથ તેમાં એઆઈનો ઉપયોગ કરીને વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા પર પણ ધ્યાન આપવાની જરૂરત છે. ઉલ્લેખનીય છે કે, દરેક વખતે આવા નાના કે મોટા ગોટાળા સમયે બેંકિંગ વહેવારોને વધુ નિયમબદ્ધ કરવાની વાતો થાય છે અને અમુક પગલાં પણ જાહેર થાય છે, પણ સમયની સાથે બધુ વિસરાઈ જાય છે અને બીજા ગોટાળાનો માર્ગ મોકળો બની જાય છે. ખરેખર તો આધુનિક ટેક્નોલોજી અને એઆઈના સમયમાં આવા ગોટાળા રોકવા અશક્ય નથી, પણ તેની માટે એક મજબૂત ઈચ્છા શક્તિ અનિવાર્ય છે.  બેંકિંગ ક્ષેત્રને આ ઈચ્છાશક્તિ કેળવવામાં પોતાના બળે મહેનત કરવી પડશે.

ઇ-પેપરના નવા શુલ્ક