રાજ્યસભાની કુલ 37 બેઠકની ચૂંટણી માટે ચૂંટણીપંચે 16મી માર્ચનો દિવસ નક્કી કર્યો છે. આ 37માંથી સૌથી વધુ એટલે કે સાત બેઠક મહારાષ્ટ્રની છે. આંકડાવારી જોતાં મહારાષ્ટ્રની સત્તારૂઢ મહાયુતિનો હાથ ઉપર છે, તો મહાવિકાસ આઘાડી પાસે સંખ્યાબળ ઓછું અને ઇચ્છુકો વધારે છે. મુખ્ય તો રાષ્ટ્રવાદી કોંગ્રેસના (શપ જૂથ) શરદ પવારનો રાજ્યસભા કાર્યકાળ પૂરો થાય છે અને શિવસેના (ઉબાઠા) પવારની તરફેણમાં છે, તો કોંગ્રેસમાં અંદરોઅંદર સિનિયર પવારની ઉમેદવારી વિશે મતાંતર છે. જો કે, અઠંગ રાજકારણી શરદ પવારે આ બાબતે કશું જ કહ્યું નથી, આથી રાજ્યસભાની આ ચૂંટણી મહારાષ્ટ્રમાં પ્રતિષ્ઠાની બની રહેવાની શક્યતા છે.
એમ
તો બીજી એપ્રિલે મહારાષ્ટ્રના સાત રાજ્યસભા સભ્યનો કાર્યકાળ પૂરો થાય છે, આથી આ માટે
ચૂંટણી કાર્યક્રમ જાહેર કરાયો છે. આ સાત સભ્યમાં શરદ પવાર (એનસીપી-એસપી), ફૌજિયા ખાન
(એનસીપી-એસપી), પ્રિયંકા ચતુર્વેદી (શિવસેના-ઉબાઠા), રજની પાટિલ (કોંગ્રેસ), ભાજપના
ધૈર્યશીલ પાટિલ, ભાગવત કરાડ તથા આરપીઆઇના રામદાસ આઠવલેનો સમાવેશ થાય છે. વિધાનસભામાં
મહાયુતિની બેઠકોની સંખ્યા 228 છે, આથી સાતમાંથી છ રાજ્યસભા બેઠક પર જીત મેળવવી મહાયુતિ
માટે સહજ હશે. મહાવિકાસ આઘાડીની એકતાની કસોટી આ ચૂંટણી નિમિત્તે થશે, કેમ કે ત્રણ પક્ષ
અને તેમની વચ્ચે એક બેઠક છે. શિવસેના (ઉબાઠા)ના પ્રવક્તા સંજય રાઉતે તો આઘાડીના ઉમેદવાર
તરીકે શરદ પવારના નામનો ઉલ્લેખ કર્યો હતો. 85 વર્ષના શરદ પવારે રાજ્યસભામાં જવા વિશે
કોઈ સંકેત આપ્યો નથી, તો કોંગ્રેસમાં એવી આંતરિક ચર્ચા છે કે શરદ પવાર અને ભાજપ વચ્ચે
નિકટતા સર્જાઈ છે, એ જોતાં તેમને ઉમેદવારી આપવી નહીં. જો કે, કશું જ નક્કર કે નક્કી
નથી, કેમ કે સ્થાનિક નેતાઓ કંઈ પણ કહે, આવા નિર્ણયો હાઈ કમાન્ડ દ્વારા લેવાતા હોય છે.
ધારો કે, પવાર ઉમેદવારી નકારી કાઢે છે, તો પ્રિયંકા ચતુર્વેદીના નામ પર કોંગ્રેસ સહમત
થશે કે કેમ એ પણ એક પ્રશ્ન છે.
ભાજપ
તરફથી રાજ્યસભા માટે વિનોદ તાવડે, વિનય સહસ્રબુદ્ધે, સુનીલ દેવધર જેવાં નામ ચર્ચાઈ
રહ્યાં છે, તો રામદાસ આઠવલેને ભાજપના ક્વોટામાંથી મોકલવામાં આવી શકે છે, તો શિવસેના
તરફથી ભૂતપૂર્વ સાંસદ રાહુલ શેવાળેનું નામ ચર્ચામાં છે. અજિત પવારના જૂથ વતી પાર્થ
પવારનું નામ આગળ કરાશે. આમ, મહાયુતિમાં તો આ બાબતે કોઈ વિવાદ કે સંઘર્ષની શક્યતા ઓછી
છે. કોંગ્રેસનો હાલમાં જ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ અને જિલ્લા પરિષદની ચૂંટણીઓમાં દેખાવ
જોતાં રાજ્યસભામાં કોંગ્રેસના ઉમેદવારને તક મળવી જોઈએ એવો અવાજ બૂલંદ થઈ રહ્યો છે.