• શનિવાર, 21 ફેબ્રુઆરી, 2026

ભય નહીં, ભાગ્ય

વિશ્વ સ્તરે જેની સતત ચર્ચા છે તેવા આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ વિશે ભારતમાં વિરાટ સંમેલન યોજાય તે પોતે જ એક નોંધપાત્ર ઘટના છે. ટેક્નોલોજીના વૈશ્વિક પ્રવાહો સાથે ભારત તાલ મિલાવી રહ્યું છે તે પુરવાર થાય છે. કોમ્પ્યુટર હોય કે ટેલિફોન ક્રાંતિ કે પછી ટેલિવિઝન, ભારતે પ્રગતિ કરી હતી પરંતુ નેતૃત્વ લીધું હોય કે જગતના અન્ય દેશોની સાથે જ ચાલ્યું હોય તેવું ઓછું બન્યું છે. એઆઈ એક એવો અધ્યાય છે જેમાં ભારત પણ પાયોનિયરની હરોળમાં છે.  સદીઓથી એ સત્ય છે કે વૈજ્ઞાનિક શોધ, સંસોધનો પણ બે બાજુ વાળો સિક્કો છે. ટેક્નોલોજીના વિવિધ પાસાં છે અને તેના પરિણામ અને પરિમાણ છે. અન્ય શોધોની જેમ એ.આઈ. પણ પ્રારંભિક તબક્કે છે ત્યારે તેના માટેના સંશય, ભય અને અસ્થાને નથી પરંતુ ભારતમાં મળેલું સમેલન અને તેમાં વડાપ્રધાને કરેલું ઉદબોધન સંશયોના સમાધાન તરફ લઈ જનારાં પરિબળ બની રહેશે.

જ્યારે કમ્પ્યુટરની શોધ થઈ ત્યારે પણ એવું લાગતું હતું કે હવે રોજગારીની તકો ઘટશે. સ્થિતિ ઉલટી થઈ, કોમ્પ્યુટર રોજગારી આપનારું મહત્વનું માધ્યમ બન્યું અને આજે જીવનના- વ્યવસાયના અનેક પાસાં તેના પર આધારિત છે. આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ આજે વિશ્વના તમામ ક્ષેત્રો ઉપર પ્રભાવ પાડી રહ્યું છે. એ.આઈ. હિસાબ કરી દે છે, જ્યોતિષિની ભૂમિકામાં પણ છે અને એ.આઈ. લેખ લખી દે છે, ફિલ્મ પણ બનાવી આપે છે. શું થશે તેવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે વાત કરી તે ભારતનું વલણ રહ્યું છે. ભારતનો સ્વભાવ  છે. તેમણે કહ્યું કે એ.આઈ.નો ઉપયોગ માનવના વિશાળ હિતમાં થવો જોઈએ. આપણે તો એટેમિક એનર્જીનો ઉપયોગ પણ તે રીતે જ કર્યો છે. વડાપ્રધાને કહ્યું કે એ.આઈ. નોકરીઓ ઉપર પૂર્ણવિરામ નહીં મૂકે પરંતુ નોકરીનું સર્જન કરશે. વિશ્વ સમુદાયને તેમણે એક આહ્વાન કરતાં કહ્યું કે એ.આઈ. માનવ મૂલ્યો પર આધારિત હોવું જોઈએ, માનવતાની ભલાઈ માટે હોવું જોઈએ.

એ.આઈ.ના આગમનથી ઘણા ક્ષેત્રમાં કાર્યરત લોકો કામ વગરના થશે તે ઉપરાંત કોઈ નિયંત્રણ સમાગ્રી ઉપર નહીં રહે તેવા અનેક ડર છે તેના અનુસંધાને નરેન્દ્રભાઈએ કહ્યું કે કેટલાક લોકોને એ.આઈ.માં ભય દેખાય છે, કેટલાકને ભાગ્ય દેખાય છે. અમે એ.આઈ.માં ભાગ્ય જોઈએ છીએ. વડાપ્રધાનની આ વાત વિશ્વ સ્તરે ગતિશીલ રીતે વ્યાપી રહેલી આ  ટેક્નોલોજી સંદર્ભે અગત્યની છે તેમણે માનવ - એવું વિશેષણ આ એ.આઈ.ને આપ્યું છે, એઆઈ એટલે મોરલ -નૈતિક , એકાઉન્ટેબલ - જવાબદાર, નેશનલ સોવરેનિટી- રાષ્ટ્રીય સંપ્રભુતા, એક્સેસેબલ- સુલભ, અને વેલિડ- માન્ય હોવું જોઈએ.  વડાપ્રધાને એ.આઈ.ની કરેલી આ વ્યાખ્યા જ એ વાતની દ્યોતક છે કે આખરે તો ટેક્નોલોજીને મુલવવા માટે માનવીય બુદ્ધિ જ સર્વોપરી નિવડી શકે. સમસ્ત વિશ્વમાં જ્યારે આ વિષયની ચર્ચા છે ત્યારે ભારતે આ આયોજન કરીને નવી દિશામાં વિશ્વને સાથે રાખીને ડગ માંડયું છે. વિરાસત ભી, વિકાસ ભીનું સૂત્ર અહીં પણ પડઘાય છે.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક