2047માં
ભારત કેવું હશે તેની સંકલ્પના સાથે કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે તેમાં ગુજરાત રાજ્ય
સરકારે પણ આજે જાણે સુર પુરાવ્યો છે. રાજ્યનું 4,08,053 કરોડનું જંગી અંદાજપત્ર વિધાનસભા
સમક્ષ મુકવામાં આવ્યું તેમાં શહેરીકરણ, રમત-ગમત ક્ષેત્ર અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા
સાથે અનેક કલ્યાણકારી યોજનાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જે જોગવાઈઓ બજેટમાં થઈ છે
તે સાંગોપાંગ પુર્ણ થાય તો આગામી દિવસોમાં ગુજરાત વિશ્વ સ્તરે વધુ ઉજળું બને એવું વિધાન
અતિરેકભર્યું નથી. 2030માં યોજાઈ રહેલી કોમન વેલ્થ રમતો તથા સંભવત: ઓલિમ્પિક રમતોત્સવ
પણ અહીં યોજાય તે બાબતો ધ્યાનમાં રખાઈ છે. કદાચ આ એવું પ્રથમ બજેટ છે જેમાં રમત-ગમતને
આટલું મહત્વ અપાયું છે. બજેટ સામાજિક સુરક્ષા, માનવ સંશાધન વિકાસ, માળખાકીય સુવિધા,
આર્થિક વિકાસ, ગ્રીનગ્રોથને કેન્દ્રમાં રખાયા છે.
અંદાજપત્રમાં
નાણામંત્રીએ શહેરોના વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. એક કારણ એ પણ હોઇ શકે કે,
નજીકના મહિનાઓમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ- મહાનગર પાલિકાઓની ચૂંટણી આવી રહી છે.
આમ પણ શહેરોના વિકાસમાં આ સરકારે 90ના દાયકાના અંતથી નોંધપાત્ર પરિણામ પ્રાપ્ત કર્યા
છે. હવે આધુનિક પદ્ધતિઓને સાથે રાખીને આ કામ થઈ રહ્યું છે. રમત-ગમત મંત્રાલય માટે
2006 કરોડની માતબર ફાળવણી થઈ છે. જે અંતર્ગત સોમનાથને વૈશ્વિક સ્થાન તરીકે વિકસાવવાનો
મનોરથ સરકારે સેવ્યો છે. સોમનાથના ફક્ત બસપોર્ટ માટે જ રૂા.447 કરોડની જોગવાઈ કરવામાં
આવી છે. અંબાજી કોરીડોર, બહુચરાજી મંદિર, મહાશિવરાત્રી મેળો જૂનાગઢ અને નર્મદા પરિક્રમાના
વિશિષ્ટ ખર્ચને બજેટમાં સમાવાયા છે. ધાર્મિક પ્રવાસનનું મહત્ત્વ અહીં ઉજાગર થયું છે.
શિવરાજપુર
અને સોમનાથ બીચ પર વિશ્વ સ્તરીય સુવિધા વિકસાવવા અને પોરબંદરમાં પ્રવાસનને પ્રોત્સાહન
આપવા પણ અહીં જોગવાઈ છે. દુનિયાભરના પ્રવાસીઓ જ્યાં વર્ષભર ઉમટે છે તેવા સ્ટેચ્યુ ઓફ
યુનિટી માટે રૂા.236 કરોડની ફાળવણી પણ ઉલ્લેખનીય છે. 2026નું વર્ષ સરકારે પ્રવાસન વર્ષ
જાહેર કર્યું છે અને તેથી સૌરાષ્ટ્રના ગીર, સાગર કિનારા સહિતના સ્થળોના વિકાસને આ અંદાજપત્રમાં
પ્રાધાન્ય અપાયું છે એવું કહી શકાય કે બજેટની આ જોગવાઈ સૌરાષ્ટ્રને રાષ્ટ્રના વિવિધ
રાજ્યો સાથે અને વિશ્વના દેશો સાથે વધુ મજબૂતીથી જોડવામાં નિમિત્ત બનશે. રાજ્યના આંતરિક
અને અન્ય રાજ્યોને જોડતા રસ્તા માટે હાઈસ્પીડ કોરીડોર જેવી યોજના આ પ્રવાસનને પ્રોત્સાહક
પરીબળ તરીકે ભાગ ભજવશે.
2030માં
કોમન વેલ્થ રમતો આવી રહી છે. તેના માટે અમદાવાદને ‘ઓલિમ્પિક રેડીસીટી’ બનાવવા માટે
રૂા.1278 કરોડની ફાળવણી થઈ છે. આગામી દિવસોમાં રમત-ગમત ક્ષેત્રે પણ નોંધપાત્ર કામો
થશે તેનો આ સંકેત છે. શહેરીકરણને પ્રોત્સાહન આપવા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને રૂા.3354
કરોડ ફાળવાયા અને શહેરી ગરીબ આવાસ યોજના માટે 1420 કરોડની જોગવાઈ છે. શિક્ષણ ક્ષેત્રે
પણ સ્વાભાવિક રીતે જ ધ્યાનમાં લેવાયું અને આઈટીઆઈમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે
‘નમો કૌશલ્ય’ લક્ષ્મી યોજના જાહેર થઈ છે. મહિલાઓના સ્વરોજગાર માટે પણ જોગવાઈ છે, કિસાન
ક્રેડીટ કાર્ડ, ગૌમાતા પોષણ યોજના, મત્સ્યોદ્યોગ સહિતના ક્ષેત્રો બજેટમાં નોંધપાત્ર
રીતે સમાવાયા છે.
પ્રાકૃતિક
ખેતીને પણ ધ્યાને રાખીને કૃષિ ઓજારોની સહાય માટે પણ જોગવાઈ છે તો સામે ઉદ્યોગો માટે
25 જીઆઈડીસીને સ્માર્ટ બનાવવા તથા 120 મીની જીઆઈડીસીના નિર્માણનો પ્રસ્તાવ નાણામંત્રીએ
મુક્યો છે. આત્મનિર્ભર ગુજરાતની યોજના અંતર્ગત એમએસએમઈને પ્રોત્સાહન અપાયું છે. ગુજરાત
પોલીસ માટે તમામ પ્રકારના ડેટા-માહિતીનું સંકલન કરી તેનું વિશ્લેષણ થઈ શકે તે માટેનું
વિશેષ કેન્દ્ર સ્થાપવામાં આવશે. આ ઉપરાંત ડાયલ 112 જનરક્ષકમાં 3000 નવી ભરતી પણ થશે.
સૌરાષ્ટ્ર
માટે પણ ગુજરાત સરકાર વિકાસ અને સુવિધાનો મોટો રસથાળ લઈને આવી છે. દરિયામાં વહી જતા
નર્મદા નીરને ‘સુજલામ સુફલામ’ પાઈપલાઈન દ્વારા સૌરાષ્ટ્રમાં વાળવા માટેની યોજના તથા
સૌરાષ્ટ્રની જીવાદોરી બનેલી સૌની યોજના માટે રૂા.473 કરોડની ફાળવણી કરાઈ છે. સોમનાથ-દ્વારકા
એક્સપ્રેસ-વે માટે રૂા.3000 કરોડ ફાળવાયા છે તો એલઈ કોલેજ મોરબીમાં માળખાકીય સુવિધા
અને નવા કોર્સ શરૂ કરવા તથા સંસ્થાને સ્વાયત્ત દરજ્જો આપવાનો પ્રસ્તાવ મુકાયો છે. રાજકોટમાં
એનસીસી લીડરશીપ એકેડમીના બાંધકામની પણ જોગવાઈ કરાઈ છે.
ભાવનગર-રાજકોટ-જામનગર
અને જૂનાગઢમાં એમઆઈસીઈ (માટિંગ ઈન્સેન્ટીવ કોન્ફરન્સ અને એક્ઝીબીશન) ઈન્ફ્રાસ્ટ્રક્ચર
માટે રૂા.100 કરોડ ફાળવાયા છે. જામનગરની સરકારી ફિઝીયોથેરાપી કોલેજ, પોરબંદર ખાતે રિજયોનલ
સાયન્સ સેન્ટર, જામનગર-ભુજ ખેડબ્રહ્મા ખાતે કૃષિ યુનિવર્સિટી અંતર્ગત માળખાકીય સુવિધા
તથા દૂધ ઉત્પાદનને મહત્ત્વ આપવાની પણ જોગવાઈ છે. વિકસિત ભારતના લક્ષ્ય સાથેનું આ બજેટ
છે તેવું કહી શકાય પરંતુ એક અગત્યની ટકોર એ જ છે કે જે કંઈપણ ફાળવણી થાય છે તેનો અમલ
વ્યવસ્થિત થાય. ખાસ તો રસ્તા નિર્માણ માર્ગ માટે જે રકમની જોગવાઈ છે તેનો ચોક્કસ આવકાર
હોય પરંતુ આ રસ્તાના કામો સમયસર પૂર્ણ થાય અને મુસાફરોને મુશ્કેલી ઓછી પડે તેવું આયોજન
પણ આવશ્યક છે.
આટલી
મોટી આર્થિક ફાળવણીઓની વચ્ચે સરકારનું દેવું વધ્યું છે અને આગામી ત્રણ વર્ષમાં આ દેવું
5.5 લાખ કરોડ થાય તેવી શક્યતા છે. રાજકોષીય ખાધમાં પણ વધારો થયો છે. જો કે, રાજ્યની
આવક દેણાની રકમ કરતાં વધારે હોવાનો દાવો છે.
કાયદો
અને વ્યવસ્થાની સ્થિતિ વાસ્તવમાં વધુ સુધરવી જરૂરી છે. સાયબર ફ્રોડ સામે સામાન્ય માણસની
સુરક્ષા અનિવાર્ય છે અને તે માટેની જાગૃતિ માટે પણ આર્થિક આયોજન થાય તે અગત્યનું છે.
પ્રવાસન ધામોના આધુનિકીકરણને લીધે તેનું પોત અને હાર્દ છીનવાય નહીં તે જોઈને આયોજન
થવા જોઈએ. રાજ્યની સમૃદ્ધિમાં આ બજેટ ઉમેરો કરશે તેવી આશા રાખવી અનુચિત નથી.