• સોમવાર, 26 જાન્યુઆરી, 2026

હવે બ્રિટનમાં પણ બાળકોના સોશિયલ મીડિયા ઉપયોગ પર પ્રતિબંધ

ઓસ્ટ્રેલિયા પછી હવે બ્રિટન. 16 વર્ષથી નાની વયના બાળકો મોબાઈલ અને સોશિયલ મોડિયાનો ઉપયોગ વધતા ચિંતા વધી છે, ઓસ્ટ્રેલિયામાં આના ઉપર પ્રતિબંધ મુકાઈ ગયો છે. ભારતમાં ચર્ચા ચાલી રહી છે. બ્રિટનમાં પણ હવે આ પ્રતિબંધની તૈયારી ચાલી રહી છે. બે તારણ તાત્કાલિક નીકળી શકે એક તો આ સમસ્યા વૈશ્વિક છે બીજું પ્રગતિશીલ ગણાતા, એડવાન્સ કહેવાતા દેશો પણ આ બાબતે ગંભીર વલણ બતાવી રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં  2025ના ઓક્ટોબરમાં 16 વર્ષથી નીચેની વયના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવાયો હતો.  ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને પોતે આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વ્હોટસએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, ટિકટોક જેવી એપ બાળકો ઉપયોગમાં  લઈ શકતા નથી. આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયાના 77 ટકા વાલી ખુશ છે. થોડા સમય પહેલા ભારતમાં પણ આવો પ્રતિબંધ મુકવાની ભલામણ કોર્ટે કરી હતી. ક્રેન્દ્ર સરકારને આ અંગે કડક નિયમો બનાવવા અને ન બને ત્યાં સુધી જાગૃતિના કાર્યક્રમો યોજવા કહ્યું હતું. જો કે કોઈએ આ અંગે વિચારણા કરી નથી.

હવે બ્રિટન પણ આ દિશામાં વિચાર કરી રહ્યું છે. એ તો સ્પષ્ટ છે કે બાળકોના મન ઉપર મોબાઈલ કે અન્ય ઉપકરણની વિપરિત અસર થાય છે. મગજના રસાયણોને નુકસાન  થાય, તેમની એકાગ્રતા, યાદશક્તિ ઉપર પણ અસર થાય છે.  આ સમસ્યા સાર્વત્રિક છે.

આપણે ત્યાં તો મોબાઇલનો ઉપયોગ કરવાની ના  માતા પિતા પાડે તો બાળક આત્મહત્યા કરી લે તેવા કિસ્સા બને છે.  ઓનલાઈન ગેમમાં બાળક હારી જાય, ક્યારેક પિતાની હત્યા કોઈ કિશોર કરે આવું બનતું રહે છે પણ મોબાઈલ છૂટતા નથી. કોર્ટે ભલામણ કરી હતી તે માટે કાર્યવાહી શરૂ થવી જરૂરી છે.

અમેરિકાએ થોડા વર્ષો પૂર્વે આ પ્રયાસ શરૂ કર્યો હતો જેને ચિલ્ડ્રન ઓનલાઇન પ્રાઈવસી પ્રોટેક્શન એક્ટ નામ અપાયું હતું જો કે તેમાં પ્રતિબંધ ન્હોતો, નિયંત્રણ હતું.  ભારતમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ અત્યંત વધ્યો છે. વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન ન હોય એવું જવલ્લે બને છે.  અહીં કાયદો કરતાં પણ મહત્વનું તો છે વાલીઓનું વલણ. સંતાનોને લાડ કરીને તેઓ મોબાઈલ અપાવે અને પછી ફરિયાદ કરે કે આખો દિવસ મોબાઈલમાંથી નવરા નથી થતા. સરકારે નિયંત્રણ મૂકવું જરૂરી છે. સ્કૂલ અને વાલીઓની નિસબત પણ અત્યંત જરૂરી છે. જો. ખુલ્લાપણામાં માનતા દેશો હવે આ મુદ્દે વિચારતા હોય તો ભારતે પણ કરવું જોઈએ. ન થાય ત્યાં સુધી જવાબદારી વાલીઓની છે.

 

 

 

 

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક