એક
તરફ ભારતે દુનિયાને જ્ઞાનનો માર્ગ આપવા કમર કસી છે, ત્યારે વક્રતા એ છે કે, દેશની ઉચ્ચ
શિક્ષણ સંસ્થાઓમાં પ્રાધ્યાપકોની જગ્યાઓ ચિંતાજન રીતે ખાલી છે. હવે સર્વોચ્ચ અદાલતને
આ મામલામાં દરમ્યનાગીરી કરવાની ફરજ પડી છે. અદાલતે પ્રાધ્યાપકોની આવી ખાલી જગ્યાઓ ચાર
મહિનામાં ભરવા માટેનો આદેશ કર્યો છે. સર્વોચ્ચ અદાલતના આ આદેશ બાદ એવી આશા રાખી શકાય
કે, ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ખાલી પડેલી આ મહત્ત્વની જગ્યાઓ ભરવાનો માર્ગ હવે મોકળો
બનશે. પ્રાધ્યાપકોની ખાલી જગ્યાનો મુદ્દો સરકારી અને ખાનગી ક્ષેત્રની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને
પણ લાગુ પડે છે, પણ સરકારોએ આ ગંભીર મુદ્દે આંખ આડા કાન કર્યા બાદ ન્યાયતંત્રને દરમ્યાનગીરી
કરવાની ફરજ પડી હોવાનો મુદ્દો પણ એટલો જ મહત્ત્વનો છે. અત્યારે હાલત એવી ખરાબ છે કે,
સંખ્યાબંધ યુનિવર્સિટીઓ અને તેને સંલગ્ન ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ પ્રાધ્યાપકોની ખાલી જગ્યાઓની
સમસ્યાનો લાંબા સમયથી સામનો કરી રહ્યા છે.
જે
રીતે સર્વોચ્ચ અદાલતને આ મામલામાં દરમ્યાનગીરી કરવાની ફરજ પડી છે તે બતાવે છે કે, કેન્દ્ર
કે રાજ્યોના શિક્ષણ વિભાગો આ મામલે જોઈએ એવા ગંભીર નથી. પ્રાધ્યાપકોની જગ્યાઓ તો લાંબા
સમયથી ખાલી છે, અમુક યુનિવર્સિટીઓમાં કુલપતિની જગ્યાઓ પણ ખાલી છે, જેના પરિણામે આ સંસ્થાઓના
વહીવટ પર પણ અવળી અસર પડી રહી છે.
સામે
આવેલા આંકડા મુજબ બિહારમાં યુનિવર્સિટીઓમાં પ્રાધ્યાપકોની ચાર હજાર જગ્યા ખાલી છે.
હરિયાણાની અમુક યુનિવર્સિટીઓમાં આઠેક વર્ષથી પ્રોફેસર, એસોસીએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ
પ્રોફેસરની કોઈ ભરતી જ થઈ નથી. પરિણામે આવી લગભગ 60 ટકા જગ્યાઓ હાલે ખાલી પડી છે. મધ્યપ્રદેશમાં
19 સરકારી યુનિવર્સિટીમાંથી 1પમાં પ્રાધ્યાપકોની 70 ટકા જગ્યાઓ ખાલી પડી છે. આવી હાલત
અન્ય રાજ્યોની પણ છે. ગુજરાતને લાગે વળગે છે ત્યારે આ વિકસિત રાજ્યનું ઉચ્ચ શિક્ષણ
માળખું ખાલી જગ્યાઓની સમસ્યાનો સમાનો કરી રહ્યંy છે. કચ્છ યુનિવર્સિટી પણ સર્વોચ્ચ
અદાલતના આદેશના અમલ માટે કમર કસી રહી છે. ઉલ્લેખનીય છે કે, નવી શિક્ષણનીતિનો અમલ પાંચ
વર્ષ અગાઉ થયો છે અને તેમાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોની સંખ્યાના પ્રમાણ પર ખાસ
ભાર મુકાયો છે, પણ કમભાગ્યે પાંચ વર્ષથી સ્થિતિ વધુ ને વધુ બદતર બની છે. આની સાથોસાથ
શિક્ષણ સંસ્થાઓમાં વહીવટી કર્મીઓની જગ્યાઓ ભરવાની પણ તસ્દી લેવાતી નથી. આમ સરવાળે દેશમાં
ઉચ્ચ શિક્ષણનું માળખું નબળું પડી રહ્યંy છે. આજે દેશમાં ઉચ્ચ શિક્ષણની અનિવાર્યતા અને
માંગ સતત વધી રહી છે, ત્યારે આવી ચોંકાવનારી સ્થિતિને સર્વોચ્ચ અદાલતના આદેશથી બદલી
શકાય એવી આશા રાખી શકાય. આવનારા ચાર મહિના બાદ આદેશની અસરની
સમીક્ષામાં
કેવું ચિત્ર સામે આવે છે, તેના પર શિક્ષણશાત્રીઓની નજર છે.