સંસદ
ભવનની કેન્ટીનની થાળી, સાંસદોને મળતા લાભ કોઈ કારણ વગર, સત્ર હોય કે ન હોય, ચૂંટણી
હોય કે ન હોય ચર્ચામાં રહે છે પરંતુ જનગણને ગમે તેવો એક નિર્ણય કદાચ સંસદના સદસ્યો
માટે આવી રહ્યો છે તે છે તેમની સદનમાં ઉપસ્થિતિની નોંધણીનો. લોકસભા-રાજ્યસભાનું સત્ર
ચાલુ હોય ત્યારે ચૂંટાયેલા સદસ્યો સમયસર ત્યાં ઉપસ્થિત ન રહે, વચ્ચેથી જતા રહે કે આવે
જ નહીં તે હવે દંડનીય ગણાશે. સાંસદોની પણ ડિજિટલ હાજરી પૂરાશે. જનપ્રતિનિધિ માટે આટલું
શિસ્તનું વાતાવરણ આવશ્યક છે. આ આવકારદાયક નિર્ણય છે, પ્રજાને પણ એમ થશે કે પોતાના પૈસે
ચાલતા ગૃહોમાં નિયમપાલન છે.
જેમને
લોકપ્રતિનિધિ, જનસેવક એવા વિશેષણ અપાયાં છે તેવા સાંસદો કે ધારાસભ્યોને મળતાં ભથ્થાં,
વાહન અને ટેલિફોન સહિતની મળતી સવલતો હંમેશા લોકોની ચર્ચા અને વિશેષ તો ટીકાનો વિષય
રહ્યાં છે. આ પ્રતિનિધિઓના ખર્ચા, કાર્યકર્તાઓ કે અરજદારો માટે થતી વ્યવસ્થામાં તે
પૈસા વપરાઈ જતા હોય તે બાબત અલગ છે પરંતુ સંસદ કે ધારાસભામાં ઉપસ્થિત રહેવા બદલ તેમને
મળતાં ભથ્થાંની ચર્ચા ત્યારે વિશેષ થાય જ્યારે ગૃહમાં ધમાલ થાય અને તે મોકૂફ રહે કે
પછી કોઈ સદસ્ય પ્રશ્ન પૂછતા જ નથી તેવી વિગત બહાર આવે. હવે આ બધા ઉપર નિયંત્રણ આવશે.
હાજરી તો પહેલાં પણ પૂરવામાં આવતી હવે સાંસદોની હાજરી ડિજિટલ થશે.
વ્યવસ્થા
એવી છે કે સદનની બહાર એક રજિસ્ટર રખાતું તેમાં સાંસદો હાજરી પૂરે, કેટલાક હાજરી નોંધાવ્યા
બાદ નીકળી જાય. બાકીના અંદર બેસે, હવે તે રજિસ્ટર નહીં રહે. હવે એવી જોગવાઈ થશે કે
ગૃહની અંદર સભ્ય પહોંચે એટલે એની હાજરી નોંધાઈ જશે. તે પોતાની બેઠક ઉપર બેસે કે તરત
ડિજિટલી હાજરીની નોંધ થશે. જો સંસદસભ્ય મોડા પહોંચશે અથવા કોઈ ધાંધલને લીધે તે દિવસની
કાર્યવાહી મોકૂફ રહેશે તો હાજરી નહીં નોંધાય અને તે દિવસનો સાંસદ તરીકેનો પગાર કે ભથ્થાં
પણ કપાશે. સંસદની કાર્યવાહીમાં હવે ડિજિટલ પદ્ધતિનો પણ ઉપયોગ થશે. લોકસભા અધ્યક્ષ ઓમ
બિરલાએ કરેલી આ વાત જ્યારથી અમલી બનશે ત્યારથી સદસ્યોની હાજરીની બાબતમાં શિસ્તનું વાતાવરણ
ઊભું થશે. કર્મચારીઓની હાજરી હોય, વિદ્યાર્થીઓની હાજરી હોય તો સાંસદોની હાજરીનું નિયમન
કેમ નહીં? તેવો સવાલ અત્યાર સુધી પૂછાતો આવ્યો છે હવે તેનો ઉત્તર મળશે તેમ લાગે છે.