• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

મોદી - ટ્રમ્પ સંવાદ : શુભેચ્છા ફળશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન સંપર્ક કરીને વ્યાપાર ઉપરાંત સંરક્ષણ અને સલામતી બાબત વાતચીત કર્યા પછી સંતોષ વ્યક્ત કર્યો છે. બન્ને નેતાઓએ ભારત - અમેરિકાની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી અને અન્ય પ્રશ્નોની ચર્ચા કરી છે, પણ બીજી બાજુ ટ્રમ્પે પાકિસ્તાનને 68 કરોડ ડૉલરની સંરક્ષણ સહાય આપી છે. આ રકમ પાકિસ્તાનને અપાયેલાં એફ-16 વિમાનો અપગ્રેડ કરવા માટે છે અને એમણે એમ પણ કહ્યું છે કે, આતંક સામે લડવા માટે આ સહાય છે. અમેરિકાની સલામતી માટે આ વિમાન - કાફલો વાજબી છે એમ પણ જણાવાયું છે. આ સહાય આપવા છતાં આ વિસ્તારમાં લશ્કરી સમતુલા ખોરવાઈ જવાની શક્યતા નથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. પાકિસ્તાન ઉપર અમેરિકી પ્રેસિડન્ટ ફિદા છે, ટેરિફમાં વધારા થયા નથી અને ‘આતંકના પ્રતિકાર’ માટે સહાય અપાઈ રહી છે. વાસ્તવમાં આતંકી પાકિસ્તાનને જ આતંક પોષવા માટે આ સહાય મળે છે અને ટ્રમ્પ મોદી સાથે ભારતના સંરક્ષણ અને સલામતીનો વાર્તાલાપ કરે છે!

ટ્રમ્પે ભારતીય આયાત મોંઘી કર્યા પછી દ્વિપક્ષી વ્યાપાર કરારની વાટાઘાટ લાંબા સમય સુધી ચાલી છે અને પૂરી થયા પછી અમેરિકાના વ્યાપાર પ્રતિનિધિએ જાહેરમાં કહ્યું છે કે, ભારતે સૌથી વધુ અનુકૂળ શરતો આપી છે પણ ભારત વ્યાપાર વાટાઘાટમાં મક્કમ હોય છે, તેને મનાવવાનું આસાન નથી. આ નિવેદન પછી દ્વિપક્ષી વ્યાપાર કરારમાં અમેરિકા સહકાર આપશે એવી આશા સેવાય છે. આપણા વ્યાપારપ્રધાન પીયૂષ ગોયલે પણ કહ્યું છે કે, અમારી શરતો અનુકૂળ હોય તો પછી કરાર કરવામાં વિલંબ શા માટે થાય છે? હકીકતમાં અમેરિકા તેની કૃષિ પેદાશો અને ડેરી ઉદ્યોગનાં ઉત્પાદન ભારતને વેચવા માગે છે - જેની આપણને જરૂર નથી અને અમેરિકાનો માલ સસ્તામાં લઈને આપણા કિસાનો તથા ડેરી ઉદ્યોગનાં હિત જોખમમાં મૂકવા ભારત તૈયાર નથી. આ વાત અમેરિકાને કઠે છે અને તેથી કહે છે - ભારત અક્કડ છે. તાજેતરમાં અમેરિકી પ્રમુખે ભારતના ચોખાની આયાત ઉપર ભારે ટેરિફ નાખવાની ધમકી પણ આપી છે! અમેરિકાની વાર્ષિક નિકાસના આંકડા ચોંકાવનારા છે. દર વર્ષે 30 બિલિયન ડૉલરની કૃષિ પેદાશોની નિકાસમાં મકાઈ, ઘઉં અને ચોખાનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ચીન, જાપાન અને મેક્સિકો ખાતે નિકાસ થાય છે. ભારતની હરિત ક્રાન્તિ પછી અમેરિકાથી ઘઉંની આયાત - પણ બંધ થઈ છે તો હવે મકાઈ, સોયાબીન ખરીદવા દબાણ થાય છે! હવે દ્વિપક્ષી કરાર કેવા થાય છે તે જોવાનું છે.

મોદી - ટ્રમ્પ વચ્ચે ટેલિફોન ઉપર બાવીસમી અૉક્ટોબરે સંપર્ક થયો હતો - દિવાળીની શુભેચ્છા આપવા માટે. હવે શુભેચ્છા કેટલી ફળે છે તે દ્વિપક્ષી વ્યાપાર કરારમાં જાણવા મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક