• શનિવાર, 13 ડિસેમ્બર, 2025

જનગણના માટે 11,718 કરોડનું બજેટ મંજૂર

કેન્દ્રીય કેબિનેટમાં બજેટ મંજૂર : દેશના ઈતિહાસમાં પહેલી વખત થશે ડિજીટલ વસ્તી ગણતરી

 

નવી દિલ્હી, તા. 12 : કેબિનેટ દ્વારા ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સૌથી મોટો નિર્ણય જનગણના અંગેનો છે. કેબિનેટે જનગણના માટે 11,718 કરોડ રૂપિયાના બજેટને મંજૂરી આપી છે. ભારતની જનગણના 2027 દેશના ઈતિહાસમાં પહેલી વખત પુરી રીતે ડિજીટલ હશે. બે તબક્કામાં થનારી પ્રક્રિયામાં દેશના દરેક વ્યક્તિ અને ઘરની જાણકારી ડિજીટલ રીતે નોંધવામાં આવશે. પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ જનગણના થશે. જ્યારે બીજા તબક્કામાં જન ગણતરી કરવામાં આવશે. કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જનગણના 2027ની જાણકારી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે,  જનગણના વિશ્વનો સૌથી મોટો પ્રશાસનિક અને સાંખ્યિકી અભ્યાસ હશે.આ પ્રક્રિયા મોબાઈલ એપ મારફતે થશે અને લોકો ઈચ્છે તો એક વેબ પોર્ટલ ઉપર પોતે પણ જાણકારી ભરી શકશે. પૂરું કામ રિયલ ટાઈમમાં સેંસસ મેનેજમેન્ટ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ (સીએમએમએસ)થી મોનિટર કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી અનુસાર જનગણનાની સંદર્ભ તિથિ 1 માર્ચ 2027ના હશે. બરફથી ઢંકાયેલા ક્ષેત્રો માટે તિથિ 1 ઓક્ટોબર 2026 નક્કી કરવામાં આવી છે. જનગણના 2027ને બે તબક્કામાં આયોજીત કરવામાં આવશે. પહેલા તબક્કામાં મકાન સૂચીકરણ અને આવાસ જનગણના (એચએલઓ) થશે. જેને એપ્રિલથી સપ્ટેમ્બર 2026 સુધીમાં કરવામાં આવશે. બીજા તબક્કામાં જનસંખ્યાની ગણતરી કરવામાં આવશે. જે ફેબ્રુઆરી 2027થી થશે. જ્યારે લદ્દાખ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ સહિતના બરફના પ્રદેશમાં સપ્ટેમ્બર 2026થી કામગીરી કરવામાં આવશે.

ડિજીટલ વસ્તી ગણતરી હેઠળ દરેક બિલ્ડિંગને જીયો ટેગ કરવામાં આવશે. એપમાં અંગ્રેજી, હિંદી સહિત 16થી વધારે ભાષાનો વિકલ્પ હશે. સરકાર અનુસાર આ વખતે પ્રવાસ સંબંધિત વિસ્તૃત સવાલ પુછવામાં આવશે જેમ કે જન્મ  સ્થળ, ગત નિવાસ, કેટલા સમયથી વર્તમાન સરનામે રહેવાસ છે અને સ્થળ બદલવાનું શું કારણ છે. સૌથી મહત્વપૂર્ણ વાત

એવી છે કે 1931 બાદ પહેલી વખત તમામ સમુદાયોની જાતિ સંબંધિત આંકડા એકત્રિત કરવામાં આવશે.

કેબિનેટ નિર્ણયોની જાણકારી આપતા અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે જાતિ ગણનાને પણ જનગણના 2027માં સામેલ કરવામાં આવશે. આ ઉપરાંત સ્વગણનાનો વિકલ્પ પણ આપવામાં આવશે. જનગણના દરમિયાન રાષ્ટ્રવ્યાપી જાગૃતતા, સમાવેશી ભાગીદારી, અંતિમ છેડા સુધી સંપર્ક અને જમીની કાર્યોમાં સમર્થન માટે લક્ષિત અને વ્યાપક પ્રચાર અભિયાન ચલાવવામાં આવશે. આ કાર્યમાં 30 લાખ જમીની કાર્યકરો સામેલ થશે અને 1.02 કરોડ માનવ દિવસના રોજગારનું સર્જન થશે.

જનગણના 2027 અત્યારસુધીની 16મી અને સ્વતંત્રતા બાદની 8મી જન ગણતરી હશે. કેન્દ્રીય મંત્રી અનુસાર દેશમાં જનગણા અધિનિયમ 1948 અને જનગણના નિયમ 1990 હેઠળ પ્રક્રિયા કરવામાં આવે છે. ગત જન ગણતરી 2011માં થઈ હતી. કોરોના મહામારીના કારણે 2021માં જનગણના થઈ શકી નહોતી. આ પહેલા 16 જૂન 2025ના જનગણના 2027 માટે રાજપત્ર જાહેરનામું જાહેર કરવામાં આવ્યું હતું.

દરમ્યાન, કોલસાની લિલામી માટે નવી વ્યવસ્થા ‘કોલસેતુ’ને પણ કેબિનેટ તરફથી મંજૂરી અપાઇ હતી.

કોલસાની આયતા પર નિર્ભરતા ઓછી થવાનાં કારણે દેશ 60 હજાર કરોડ રૂપિયા બચાવી રહ્યો છે. 2024-2025માં એક અબજ ટન કોલસાનું ઉત્પાદન થયું હતું.

દેશના કિસાનોને રાહત આપતા અન્ય એક મહત્ત્વના નિર્ણયમાં કેન્દ્રીય મંત્રી મંડળ (કેબિનેટ)એ નાળિયેર (ટોપરાં) માટે 12500 રૂપિયા પ્રતિ કિવન્ટલ લઘુતમ ટેકાના ભાવ આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી, નાફેડ અને એનસીસીએફ એમએસપી માટે નોડેલ એજન્સી તરીકે ભૂમિકા ભજવશે.

 

ઇ-પેપરના નવા શુલ્ક