એરલાઈન્સની કાર્યપ્રણાલી ઉપર નજર રાખતા અધિકારીઓ ઉપર બેદરકારીનો આરોપ
નવી દિલ્હી, તા.12: દેશનાં હવાઈ પરિવહન ક્ષેત્રમાં ભારે ઉથલ-પાથલ વચ્ચે ડીજીસીએ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે અને પોતાનાં ચાર ફ્લાઈટ ઓપરેશન ઈન્સ્પેક્ટરની હકાલપટ્ટી કરી નાખવામાં આવી છે. આ અધિકારી એરલાઈનની સુરક્ષા, પાયલટ પ્રશિક્ષણ અને પરિચાલન અનુપાલન જેવા મહત્ત્વપૂર્ણ કામો ઉપર નજર રાખતા હતાં. આ અધિકારીઓએ પોતાનું કામ યોગ્ય રીતે કર્યુ ન હતું અને તેમનાં ઉપર ઈન્ડિગો સાથે ભળેલા હોવાનો આરોપ પણ મૂકાયો છે. આ કાર્યવાહી એવા સમયે કરવામાં આવી છે જ્યારે ઈન્ડિગોનાં સીઈઓ પીટર એલ્બર્સ આજે ડીજીસીએ સામે રજૂ થવાનાં છે.
ગત સપ્તાહે શુક્રવારે ભારતભરમાં ઈન્ડિગો દ્વારા 1600થી વધુ ફ્લાઈટ રદ કરવામાં આવી હતી. આ સંકટનું મુખ્ય કારણ ફ્લાઈટ ડયુટી ટાઈમ લિમિટેશનનાં બીજા તબક્કાને લાગુ કરવામાં ઈન્ડિગોની વિફળતા સાથે ક્રૂ રોસ્ટર અને સ્ટાફ મેનેજમેન્ટમાં એરલાઈનની ગેરવ્યવસ્થા હતી.
ઈન્ડિગોનાં આ સંકટ વચ્ચે સરકારે અનેક પગલા ભર્યા અને સમયસર રિફન્ડ સુનિશ્ચિત કરવા માટે સમયમર્યાદા પણ નક્કી કરી આપવામાં આવી હતી. આ ઉપરાંત અન્ય એરલાઈન્સને પણ ટિકીટનાં ભાવ નિયંત્રિત રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિગોને પણ પોતાની દૈનિક ઉડાનો 10 ટકા ઘટાડી નાખવા કહી દેવામાં આવ્યું હતું.
ઉડ્ડયન ક્ષેત્રનાં આ સંકટ માટે નિષ્ણાતો સીધા ડીજીસીએ સામે જ સવાલ ઉઠાવી રહ્યા છે. પાયલટનાં આરામનાં નિયમો હેઠળ પૂરતા પ્રમાણમાં પાયલટ નિયુક્ત કરવામાં ઈન્ડિગોની અસફળતા માટે ડીજીસીએને પણ જવાબદાર ગણાવવામાં આવે છે.