કોઈપણ ક્ષેત્રમાં સ્પર્ધા હોય એ ગ્રાહકના હિતમાં હોય છે. ઇન્ડિગો ઍરલાઈન્સને કારણે નાગરી ઉડ્ડયન ક્ષેત્રમાં સર્જાયેલી સ્થિતિ જોતાં આ વાત ફરી પુરવાર થઈ છે. દેશના આંતરદેશીય ઉડ્ડયન બજારમાં સાઠ ટકાથી વધુનો હિસ્સો ધરાવતી આ ઍરલાઈન્સ પોતાના કદ, વજન અને પહોંચને કારણે વધુ પડતા આત્મવિશ્વાસમાં આવી બેદરકાર રહી, જવાબદારીઓ પ્રત્યે આંખ આડા કાન કર્યા અને એકાધિકારની સ્થિતિનો ગેરલાભ ઉપાડવાની વૃત્તિને કારણે અત્યારની સ્થિતિ સર્જાઈ છે. ફ્લાઈટ ડયૂટી સંબંધી નવા નિયમોને અમલમાં મૂકવા માટે પૂરતો સમય હાથમાં હોવા છતાં ન તો નવા સ્ટાફની ભરતી કરી કે ન તો ફ્લાઈટ સલામતી સંબંધી આ બાબતને ગંભીરતાથી લીધી. હવે, તેના કારણે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. સરકારે હવે તપાસ સમિતિની રચના કરી છે. ભારતમાં એકથી વધુ ક્ષેત્રમાં અત્યારે આવી એકાધિકારની સ્થિતિ બનતી જોવા મળી રહી છે અને ઇન્ડિગોમાંથી બોધ લઈ આ દિશામાં અત્યારથી જ પગલાં લેવાનું વલણ રાખવામાં નહીં આવે તો ઇતિહાસનું પુનરાવર્તન અન્ય ક્ષેત્રોમાં થતાં વાર નહીં લાગે.
ઇન્ડિગો
કટોકટીની તપાસમાંથી જે પણ બહાર આવે, પણ ઍરલાઈન્સ અને તેના સંચાલકોને દોષિત ઠેરવવા માત્રથી
આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. છેલ્લા અઢી દાયકામાં જે રીતે ભારતની નવેક ઍરલાઈન્સ બંધ પડી
છે, એ દર્શાવે છે કે આ ક્ષેત્ર દેખાય છે એટલું બળકટ નથી અને નફાના ટૂંકા માર્જિન, સ્પર્ધા
વચ્ચે ટકી રહેવાના પ્રયાસોને કારણે આ ઉદ્યોગ બટકણો સાબિત થયો છે. આવામાં, લાંબા ગાળાનો
વિચાર કરી પગલાં લેવાય એ આવશ્યક છે. અત્યારે તો સરકારે કેટલાક નિયમો હળવા કર્યા છે,
પણ સલામતીના ભોગે નિયમોમાં છૂટ ભયાનક સાબિત થઈ શકે છે. આથી, અત્યારે આ મોરચે બધાની
જ કસોટી છે.
હાલની
આ કટોકટીમાંથી બીજો બોધપાઠ લેવો જરૂરી છે કે કોઈપણ ક્ષેત્રમાં એકાધિકારની સ્થિતિ સર્જાય
નહીં. ટેલિકૉમ્યુનિકેશન ક્ષેત્ર અત્યારે આ દિશા તરફ આગળ વધી રહ્યો હોય એવું લાગે છે.
એક કાળે ભારતમાં ડઝનેક મોબાઈલ નેટવર્ક અૉપરેટર હતા અને હવે સરકારી કંપનીઓને બાદ કરતા
ત્રણ જ બાકી રહ્યા છે. આવું જ ઈન્ટરનેટ આધારિત અૉવર-ધ-ટૉપ (ઓટીટી) ક્ષેત્રમાં પણ થઈ
રહ્યું છે. ગ્રાહક પાસે વિકલ્પ જ ન હોય એ પરિસ્થિતિ તથા એક કે બે મોટી કંપનીઓનું બજારમાં
હોવું એ કટોકટીને આમંત્રણ બરાબર છે.
ઈન્ડિગો
વિવાદ સતત વધી રહ્યો છે. મંગળવારે તો સરકારે આકરાં પગલાંની જાહેરાત કરી સાથે જ દેશમાં
નવી એરલાઈન્સ આવશે તેવી વાત પણ સંસદમાં થઈ. દરરોજ રદ થતી ફ્લાઈટ્સ. રિફંડ ચૂકવાયાના
દાવા અને મુસાફરોના સતત વધતા રોષ વચ્ચે વાતાવરણ ડહોળાયું છે. રેલવે સહિતના અન્ય પરિવહન
ઉપર પણ ભારણ વધ્યું છે. દેશમાં આવી એરલાઈન્સ કટોકટી નજીકના ભૂતકાળમાં ક્યારેય થઈ નથી.
એક સમય હતો જ્યારે વિમાનમાં મુસાફરી કરનાર વર્ગ આર્થિક રીતે અત્યંત સંપન્ન અને સંપત્તિવાન
હતો. હવે મધ્યમ વર્ગ, વિદ્યાર્થીઓ પણ હવાઈ મુસાફરી કરે છે. લાંબા અંતરના પ્રવાસમાં
આગોતરી વ્યવસ્થા હોય તો સસ્તા દરે ટિકિટ પ્રાપ્ય હોય કારણ કે એરલાઈન્સની સંખ્યા વધી
છે. આ સ્થિતિમાં હવે વિમાનની મુસાફરીનું પ્રમાણ વધ્યું છે. ફ્લાઈટ રદ થવાની ઘટનાઓએ
પરિવહન-પ્રવાસના સમયપત્રકો તોડી નાખ્યાં છે.